છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવાના ઉદ્દેશથી ગામેગામ ફરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ઓલપાડ તાલુકાના સરોલી ગામે આવી પહોંચ્યો હતો, જ્યા સુરત જિલ્લાના ૫૬૫ ગામોમાં પરિભ્રમણ કરી ૫૬૬માં ગામમાં આવીને યાત્રાનું સમાપન થયું હતું. ગ્રામવાસીઓ સાથે રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે ઉમળકાભેર સ્વાગત કરી સુરત જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સમાપન કર્યું હતું. કાર્યક્રમમાં વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. મંત્રીઓના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું કે, સંકલ્પ યાત્રા ગામે ગામ ફરીને માણસોને કેન્દ્ર અને રાજ્ય સરકારની બહુવિધ યોજનાઓના લાભો આપી રહી છે. સુરત જિલ્લામાં તા.૧૫મી નવેમ્બરે બારડોલીથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. ૫૬૫ ગામોમાં પરીભ્રમણ કરી આજે સરોલી ગામે સમાપન થયુ છે. વિકસિત ભારત યાત્રાએ ગામોમાં ભ્રમણ કરી જરૂરિયાતમંદ લોકોને યોજનાકીય લાભોથી લાભાન્વિત કરી લોક જાગૃતિ આણવી યાત્રાનો મુખ્ય ઉદ્દેશ છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. મંત્રીએ જણાવ્યું કે, ખેડૂતો કિસાન સન્માન નિધિ યોજના થકી આર્થિક સહાય મેળવી રહ્યા છે. નમો ડ્રોન દીદીમાં બહેનોને તાલીમ થકી ડ્રોન ઉડાવવા માટે તૈયાર કરાશે. પ્રાકૃતિક ખેતી ઉપયોગ જમીનને ફળદ્રુપ બનાવી લોકોને બીમારીઓથી મુક્ત અને તેમના આરોગ્યમાં સુધારો કરવા તેમણે અનુરોધ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતાની ઝુંબેશ શરૂ કરાવી હતી જે લોકવ્યાપી બની ઘરે ઘરે અને ગામે ગામ સ્વચ્છ બની રહ્યા છે ત્યારે સ્વચ્છતાની ઝુંબેશને આગળ વધારીને આપણા ગામને સ્વચ્છ બનાવીએ એમ તેઓએ ઉમેર્યું હતું.
વનમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, સુરત જિલ્લામાં શરૂ કરવામાં આવેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સુરત જિલ્લમાં ૫૬૫ ગામોના ૪.૪૪ લાખથી વધુ લોકોએ સરકારી યોજનાનો લાભ લીધો છે. ઓલપાડ વિધાનસભા મત વિસ્તારમાં ૩૩,૧૮૯ ખેડૂતોને દર વર્ષે રૂ.૬૦૦૦ની કિસાન સન્માન નિધિની સહાય મળી રહી છે. ૧૩,૭૪૭ ગંગા સ્વરૂપા બહેનોને દર મહિને રૂ.૧૨૫૦ ગંગા સ્વરૂપા પેન્શન તેમજ ઓલપાડ વિધાનસભામાં ગુજરાતમાં સૌથી વધુ ૧૩ હજાર પી.એમ. આવાસ નિર્માણ પામ્યા છે. લોકોએ જનધન ખાતા ખોલાવ્યા, જેથી વચેટિયાઓને નાબૂદ કરી લાભાર્થીને પૂરે પૂરો લાભ આપી શકાય છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, સરકાર દ્વારા નમો ડ્રોન દીદી યોજનામાં બહેનોને ડ્રોન ઉડાવવા માટેની તાલીમ આપવામાં આવશે અને ખેતરમાં નેનો યુરિયા અને દવાના ઝાંટકાવ માટે તૈયાર કરાશે. બહેનોને પગભર કરવા માટે તાલીમ આપી ૫૦૦ જેટલા સિલાઈ મશીન બહેનોને આપવામાં આવશે. ખેતી, આરોગ્ય, શિક્ષણ જેવા વિવિધ વિભાગોમાં કાર્યરત યોજનાઓનો મહત્તમ લાભ લેવા ગ્રામજનોને અનુરોધ કરતા મંત્રીએ વિવિધ યોજનાઓ અને તેના લાભોની જાણકારી આપી હતી. સંકટ સમયની સાંકળ સમાન આયુષ્માન ભારત યોજના સમગ્ર વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના છે, એમ જણાવી ગ્રામજનોને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, ૧૫મી નવેમ્બરથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભગવાન બિરસા મુંડાના જન્મ સ્થળ ઝારખંડના ખૂંટી ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરી હતી. જે સુરત જિલ્લાના બારડોલી ખાતેથી શરૂ કરવામાં આવી હતી. વર્ષ-૨૦૪૭ સુધીમાં આઝાદીના સતાબ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ આજે ઓલપાડ તાલુકાના સરોલી ગમે આવી પહોંચ્યો છે. સુરત જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી ૪.૪૫ લાખથી વધુ લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ પ્રાપ્ત થયો છે. જન આરોગ્યના હિતાર્થે અમલી બનેલી આયુષ્માન ભારત યોજના હેઠળ ૨.૧૩ લાખ લાભાર્થીઓ જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ સુરત જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં અપાયા છે એમ તેઓએ ઉમેર્યું હતું.
વિવિધ સ્ટોલ મારફતે ઉપલબ્ધ સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી તેનો લાભ લેવાનો અનુરોધ કર્યો હતો. મંત્રીએ લાભાર્થીઓ સાથે સંવાદ સાધી તેઓના અનુભવ જાણ્યા હતા. સખી મંડળની બહેનોએ પ્રાકૃતિક ખેતીનું મહત્વ દર્શાવતી નાટિકા રજૂ કરી હતી સાથે મંત્રીની ઉપસ્થિતમાં ડ્રોનનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તા.પં.પ્રમુખ નીતાબેન પટેલ, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ લાલુભાઈ પાઠક, પ્રાંત અધિકારશ્રી પાર્થ તલસાણીયા, નાયાબ જિલ્લા વિકાસ અધિકારી શિવરાજ ખુમાન, મામલતદારશ્રી લક્ષ્મણભાઈ ચૌધરી, સંગઠન પ્રમુખ બ્રિજેશભાઈ પટેલ, મહામંત્રી કિશનભાઇ પટેલ, કુલદીપસિંહ, ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ, સરપંચ સ્મિતાબેન, ઉપસરપંચ રાકેશભાઈ, તલાટી કમ મંત્રી, તા.પં સભ્યો, આઈસીડીએસના બહેનો, તા. હેલ્થ ઓફિસર અને મેડિકલ હેલ્થ ઓફિસર, વિવિધ ગામોના સરપંચો, આંગણવાડી અને આશાવર્કર બહેનો, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ, સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.