દિવાળીના તહેવારોમાં કરન્સીના સર્ક્યુલેશનમાં ઘટાડો જોવા મળ્યો છે. SBI રિસર્ચના રિપોર્ટ પ્રમાણે આ વખતે તહેવારોમાં લોકોએ રોકડને બદલે ડીજીટલ ટ્રાન્સેકશનનો વધુ ઉપયોગ કર્યો છે. સતત બીજા વર્ષે આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જે ભારતની ઈકોનોમી માટે એક સારા સંકેત છે. જો દિવાળીના તહેવારોના અઠવાડિયાની વાત કરવામાં આવે તો કરન્સી સર્ક્યુલેશન ઘટીને રૂ. 5,900 કરોડ થયું જે અગાઉ રૂ. 7,600 કરોડ હતું.
અહેવાલમાં ડિજિટલ પેમેન્ટમાં થયેલા વધારાની પાછળ મુખ્ય ભૂમિકા અર્થતંત્રને ડિજિટાઇઝ કરવાના સરકારના પ્રયાસોને આપવામાં આવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે UPI, વોલેટ્સ અને પીપીઆઇ જેવી ઇન્ટરઓપરેબલ પેમેન્ટ સિસ્ટમ્સે ડિજિટલ રીતે નાણાં ટ્રાન્સફર કરવાનું સરળ અને સસ્તું બનાવ્યું છે. આનાથી એવા લોકોને પણ ફાયદો થયો છે જેમની પાસે બેંક ખાતા નથી. QR કોડ અને NFC જેવા નવા સંશોધનોએ પણ ડિજિટલ પેમેન્ટમાં મદદ કરી છે. ઘણી મોટી ટેક કંપનીઓ પણ આ ઉદ્યોગમાં આવી છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન અનુસાર, ઓક્ટોબર મહિનામાં UPI દ્વારા 17.16 લાખ કરોડ રૂપિયાના 11 અબજથી વધુ વ્યવહારો થયા હતા.