મહાનુભાવોએ કેન્દ્રીય મંત્રી અમિત શાહના જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી
આણંદ,તા.૨૨ આણંદ NDDB ના હીરક જયંતિ અને અમૂલના સ્થાપક ત્રિભુવનદાસ પટેલની ૧૨૧ મી જયંતિ સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે ગુજરાતમાં ત્રિભુવનદાસ પટેલની સાહસિક આગેવાનીમાં હેઠળ શરૂ થયેલા સહકારીતા આંદોલનથી ગુજરાતમાં સહકારીતાનો શુભારંભ થયો હતો.
ત્રિભુવનદાસ એ રોપેલું સહકાર ક્ષેત્રનું બીજ આજે દેશના કરોડો લોકોને સહકારિતા સાથે જોડતું વટવૃક્ષ બન્યું છે. આ તબક્કે તેઓ એ
એન.ડી.ડી.બી.પરિસરમાં વૃક્ષારોપણ કરી ત્રિભુવનદાસ પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કર્યું હતું. પ્રસંગે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આણંદમાં એન.ડી.ડી.બી.ની ઓફિસની નવી ઇમારત, વડોદરાના ઇટોલામાં મધર ડેરીનો ફૂટ એન્ડ વેજિટેબલ પ્રોસેસિંગ પ્લાન્ટ અને નરેલા, દિલ્હીમાં IDMC લિમિટેડના પોલિફિલ્મ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવા સાથે મધર ડેરીના ગીર ઘી અને ઉત્તરાખંડ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશનના બદ્રી ઘી નું લોન્ચિંગ કર્યું હતું. કેન્દ્રીય મંત્રીએ વિવિધ ખેડૂતલક્ષી જન કલ્યાણકારી યોજનાઓના લાભોના ચેકનું વિતરણ કર્યું હતું.
દેશના ગ્રામિણ પરિવારો પૈકી માત્ર ૧.૫૦ કરોડ પરિવારો સહકારી ક્ષેત્રે જોડાયા છે. બાકી રહેતા ૬.૫૦ કરોડ પરિવારોને સહકારી ક્ષેત્ર સાથે જોડવા સમગ્ર દેશમાં નવી બે લાખ સહકારી મંડળીઓ બનાવવામાં આવી રહી છે. આ તમામને સહકારી ક્ષેત્રના માધ્યમથી દૂધના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે એન.ડી.ડી.બી. આગળ વધી રહી છે.અમિત શાહે સહકારી ક્ષેત્રમાં અમૂલના યોગદાનને બિરદાવતા જણાવ્યું હતું કે,અમુલ સાથે આજે ૩૫ લાખ કરતા વધુ સભાસદો જોડાયેલા છે ૧૦૦ રૂપિયાની શેરપુંજીથી શરૂ થયેલ આ સંસ્થા આજે ૬૦,૦૦૦ કરોડનો વ્યાપાર કરી રહી છે.
ત્રિભુવનદાસ પટેલનું જીવન સહકારથી સમૃધ્ધિના માર્ગ ઉપર પ્રેરણા આપતું રહેશે. સહકાર ક્ષેત્રના ઉદ્દભવના ૭૦ વર્ષો બાદ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ દેશમાં સહકાર મંત્રાલયની સ્થાપના કરીને સહકારીતાને રાષ્ટ્રીય ફલક ઉપર વેગ આપવાનું કાર્ય કર્યું છે. ભારત ૨૩૧ મેટ્રિક ટન દૂધ ઉત્પાદન સાથે સમગ્ર વિશ્વમાં અગ્રેસર છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે શ્વેતક્રાંતિ ૨.૦ હેઠળ દેશમાં વધુ ૧ લાખ નવી ડેરીની રચના કરવામાં આવશે. સહકારિતા મંત્રાલય દ્વારા દેશમાં ખેડૂતોને શુદ્ધ બીજ, પ્રાકૃતિક કૃષિ પેદાશોનું વૈશ્વિક બ્રાન્ડીંગ અને વિશ્વ બજારમાં ખેડૂતોના ઉત્પાદનોનું નિકાસ કરવા માટે નિકાસ મંડળી બનાવવા જેવી વ્યૂહાત્મક કામગીરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહી છે. એટલું જ નહિ પશુચારો, બીજ કૃત્રિમ ગર્ભાધાન અને ગોબર ધન ક્ષેત્રે પણ આપણે આગળ વધી રહયા છીએ.
પ્રારંભમાં સૌને આવકારતા એન.ડી.ડી.બી. ના અધ્યક્ષ ડો.મિનેશ શાહે જણાવ્યું કે, એન.ડી.ડી.બી.ના ૬૦ માં વર્ષના પ્રવેશ પ્રસંગે સમગ્ર દેશમાં સહકારિતા નો માર્ગ પ્રશસ્ત કરનાર અને અમૂલના સ્થાપક ત્રિભુવનદાસ પટેલની જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે
આ પ્રસંગે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ,પશુપાલન અને ડેરી અને પંચાયતી રાજ રાજ્ય મંત્રી ડો.એસ.પી.સિંહ બધેલ,રાજ્ય મંત્રી જ્યોર્જ કુરિયન,રાજ્ય કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, સાંસદ મિતેષભાઈ પટેલ,ધારાસભ્ય યોગેશપટેલ,કેન્દ્ર સરકારના પશુપાલન અને ડેરી વિભાગનાસચિવ અલકા ઉપાધ્યાય,અમૂલના ચેરમેન વિપુલ પટેલ,સહકારી અગ્રણીઓ,પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં પશુપાલકો હાજર રહ્યા હતા.
રિપોર્ટર – ભાવેશ સોની(આણંદ)