ગિફ્ટ સિટીના સીઈઓ તેમજ સીએમોના અધિકારી તરીકે રૂઆબ છાટનાર વિરાજ પટેલ વડોદરા કોર્ટમાંથી ભાગી છુટ્યા બાદ 25 દિવસ પછી મિઝોરમ ખાતેથી ઝડપાઈ ગયો છે.
મોડલ પર બળાત્કાર અને ડુપ્લીકેટ પાનકાર્ડ ના કેસમાં જેલમાં હતો
વડોદરા ખાતે એક મોડલ સાથે હોટલમાં રોકાયેલો વિરાજ પટેલ ફિલ્મ જોવા ગયો ત્યારે એક પ્રેક્ષક સાથે બોલાચાલી થતા તેણે સીએમોના ઓફિસર તરીકે પોતાની ઓળખાણ આપી હતી. પ્રેક્ષકે ગોત્રી પોલીસને બોલાવતા તપાસ દરમિયાન વિરાજ પાસે જુદા જુદા નામના બે પાનકાર્ડ મળી આવ્યા હતા તેમજ તે સીએમઓમાં નહીં હોવાની પણ વિગતો ખુલી હતી.
કોર્ટમાં રજૂ કરાતા પોલીસને ચકમો આપી ફરાર થયો
વિરાજ પટેલ ગિફ્ટ સિટી નો સીઈઓ નહીં હોવાની વિગતો ખુલતા મુંબઈની મોડલે તેની સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જેમાં વીરાજે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાના નામે તેનું શોષણ કર્યું હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ બંને ગુનામાં પકડાયેલો વિરાજ વડોદરા સેન્ટ્રલ જેલમાં હોવાથી ગઈ તા 10મીએ તેને વડોદરા ની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો તે દરમિયાન પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો.
વિરાજ ભાગી છુટતા PSI સહિત બે પોલીસ કરમી સસ્પેન્ડ
વિરાજ પટેલ ભાગી છુટતા પોલીસ તેની શોધખોળ કરવામાં આવી હતી. ગોત્રી પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો પણ નોંધવામાં આવ્યો હતો તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેને શોધવા માટે કામે લાગ્યા હતા. વિરાજ ને કોર્ટમાં રજૂ કરનાર જાપ્તાના પીએસઆઇ સહિત બે કર્મચારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા તેમજ તેને શોધવા માટે વડોદરા પોલીસ કમિશનરે જુદી જુદી ટીમો રવાના કરી હતી.
મિઝોરમ બોર્ડર પરથી દબોચી લીધો, 25 દિવસમાં 7000 કિલોમીટર મુસાફરી કરી
ડુપ્લીકેટ સીએમઓ વિરાજ ને શોધવા માટે બનેલી ટીમો જુદા જુદા સ્થળોએ રવાના કરવામાં આવી હતી. પોલીસની ટીમો મિઝોરમ આસામ વિસ્તારના જુદા જુદા સ્થળોએ પહોંચી હતી. ત્યારે મિઝોરમ બોર્ડર પાસેથી વિરાજ ઝડપાઈ ગયો હતો. પોલીસની તપાસમાં 25 દિવસના સમયગાળામાં વીરાજે 7000 કિલોમીટર મુસાફરી કરી હોવાનું જણાઈ આવ્યું હતું. વિરાજ સામે અમદાવાદમાં ચોરી તેમજ ઢગાઈનો પણ એક કેસ થયો હોવાની પોલીસને વિગતો જાણવા મળી છે. તેને વડોદરા લાવી સેન્ટ્રલ જેલમાં સુપ્રત કરવા તજવીજ કરવામાં આવી રહી છે.