ઇલોન મસ્કે ભારતીય અને અન્ય દેશોના વ્યાવસાયિકો માટે મહત્વપૂર્ણ H-1B વિઝાના મુદ્દા પર એક દિવસ બાદ બીજું નિવેદન આપ્યું છે. તેમણે પહેલા કહ્યું હતું કે તે એચ-1બી વિઝાને બચાવવા યુદ્ધ કરવા માટે પણ તૈયાર છે. ત્યારે હવે તેમણે આ મુદ્દે બીજી વાત કરી છે અને કહ્યું છે કે વિઝા આપવાની કાર્ય પ્રણાલીમાં ખામી છે ઇલોન મસ્કે એક્સ પરના એક યુઝરને જવાબ આપતા કહ્યું છે કે કુશળ વિદેશી વ્યાવસાયિકો અમેરિકા લાવવા માટે ઉપયોગમાં લેવાતી સિસ્ટમમાં ખામી છે અને તેમાં મોટા સુધારાની જરૂર છે. ઇલોન મસ્કે કહ્યું હતું કે અમેરિકા વિશ્વની શ્રેષ્ઠ પ્રતિભાઓ માટેનું સ્થળ બનવું જોઈએ. પરંતુ H-1B પ્રોગ્રામ તે કરવાની રીત નથી.
ઇલોન મસ્કે જણાવી આ રીત
H-1B વિઝા પ્રોગ્રામ અંગે, મસ્કે જણાવ્યું હતું કે લઘુત્તમ વેતનમાં વધારો કરીને અને H-1B જાળવવા માટે વાર્ષિક ખર્ચ ઉમેરીને આ સિસ્ટમ સરળતાથી બદલી શકાય છે. જોકે, તેમ કરવાથી સ્થાનિક કરતાં વિદેશમાંથી ભરતી કરવી મોંધી પડશે.
યુએસ કોંગ્રેસમેન મેટ ગેટ્ઝે ટ્રમ્પની પસંદગીની ટીકા કરી
ઇમિગ્રેશન મુદ્દાઓ પર ચર્ચા વચ્ચે અમેરિકાના પ્રમુખ-ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પના ઘણા સમર્થકો H-1B વિઝા પ્રોગ્રામને સમાપ્ત કરવા દબાણ કરી રહ્યા છે. ટ્રમ્પે ભારતીય-અમેરિકન ઉદ્યોગ સાહસિક શ્રીરામ કૃષ્ણનને એઆઈ નીતિના સલાહકાર તરીકે પસંદ કર્યા ત્યારથી આ મામલો ગરમાયો છે. જેમાં રાઇટ વિંગ સમર્થક લૌરા લૂમરે, એન કુલ્ટર અને ભૂતપૂર્વ યુએસ કોંગ્રેસમેન મેટ ગેટ્ઝે ટ્રમ્પની પસંદગીની ટીકા કરી હતી. લૌરા લૂમરે મસ્ક અને વિવેક રામાસ્વામી પર અમેરિકન કામદારોને નબળા પાડવાનો આરોપ લગાવ્યો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝાને લઈને જાહેર વિવાદમાં ઈલોન મસ્ક અને વિવેક રામાસ્વામીનો પક્ષ લીધો છે. તેમણે કહ્યું છે કે તેઓ વિદેશી ટેકનિકલ કામદારો માટેના કાર્યક્રમને સંપૂર્ણ સમર્થન આપે છે. જેનો તેમના કેટલાક સમર્થકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.