છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં નક્સલવાદીઓ સાથે અથડામણમાં સુરક્ષાદળોએ ત્રણ નક્સલીને ઠાર માર્યા છે. આ ત્રણેય માઓવાદીમાં તેમનો ટોપ કમાન્ડર સુધીર ઉર્ફ સુધાકર ઉર્ફ મુરલી પણ સામેલ છે. જેના માથે રૂ. 25 લાખનું ઈનામ જાહેર કરાયુ હતું. સુરક્ષા કર્મીઓએ ઘટનાસ્થળ પરથી ઈન્સાસ રાઈફલ, 303 રાઈફલ સહિત મોટા પ્રમાણમાં વિસ્ફોટક જપ્ત કર્યો છે. સુરક્ષાદળો આ વિસ્તારમાં મોટાપાયે સર્ચ ઓપરેશન કરી રહ્યા છે.
પોલીસ અધિક્ષક ગૌરવ રાયે જણાવ્યું હતું કે, દંતેવાડા અને બીજાપુર જિલ્લાની સરહદો પર સ્થિત ગિરસાપારા, નેલગોડા, બોડગા, અને ઈકેલી વિસ્તારોમાં નક્સલવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ ડીઆરજી અને બસ્તર ફાઈટર્સની ટીમે માઓવાદી વિરોધી અભિયાન હાથ ધર્યું હતું. જેમાં ત્રણ નક્સલીને ઠાર કરવામાં આવ્યા છે.
નક્સલીઓ ગોળીબાર કર્યો
સુરક્ષાદળોને જોતાં જ નક્સલીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. જેના જવાબી ફાયરિંગમાં ત્રણ નક્સલી ઠાર થયા હતા. જેમાં એકની ઓળખ સુધીર ઉર્ફ સુધાકર ઉર્ફ મુરલી રૂપે થઈ હતી. જેના માથે રૂ. 25 લાખનું ઈનામ હતું. અન્ય બે નક્સલીની ઓળખ થઈ રહી છે. ત્રણેયના શબ પર સુરક્ષાદળોએ કબજો લીધો છે.