ચોમાસાની સિઝન શરૂ થઈ હોવા છતાં મધ્ય ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા જળસંકટની સ્થિતિ સર્જાવાની ભીતિ વધી રહી છે. મહીસાગર જિલ્લાની જીવાદોરી ગણાતા અને આસપાસના અનેક જિલ્લાના ખેડૂતો માટે આશીર્વાદ સમાન કડાણા ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય સિંચાઈ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે.
કડાણા ડેમમાં માત્ર 41 ટકા લાઈવ સ્ટોરેજ
ચોમાસાના પ્રારંભિક વરસાદ બાદ મેઘરાજાએ લાંબો વિરામ લેતાં કડાણા ડેમમાં પાણીની નવી આવક ખૂબ જ ઓછી થઈ ગઈ છે. હાલમાં ડેમમાં માત્ર 41 ટકા જેટલો લાઈવ સ્ટોરેજ જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે ડેમની જળસપાટી ઘટીને 389 ફૂટે પહોંચી છે.
સિંચાઈ વિભાગના જણાવ્યા અનુસાર હાલની સ્થિતિમાં સતત પાણી છોડવામાં આવે તો આગામી સમયમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ શકે છે. ભવિષ્ય માટે પાણીનો જથ્થો અનામત રાખવાના હેતુથી તંત્રએ ડેમ આધારિત વીજ ઉત્પાદન અને ખેતી માટે આપવામાં આવતું સિંચાઈનું પાણી રોકી દીધું છે.
નહેરો અને મહી નદીમાં પાણી છોડવાનું બંધ
આ નિર્ણય અંતર્ગત સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ ભરાતી કેનાલો, જમણા કાંઠાની મુખ્ય નહેર અને મહી નદીના પટમાં છોડવામાં આવતું પાણી તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યું છે.
કડાણા ડેમ ઉપરાંત ભાદર ડેમમાંથી પણ સિંચાઈ માટે પાણી છોડવાનું બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પાણીના ઘટતા જથ્થાને ધ્યાનમાં રાખીને તંત્રએ પીવાના પાણીના પુરવઠાને પ્રાથમિકતા આપવાનો નિર્ણય કર્યો છે.
મહીસાગર, પંચમહાલ અને ખેડાના ખેડૂતો મુશ્કેલીમાં
વરસાદ ખેંચાવાના કારણે મહીસાગર, પંચમહાલ અને ખેડા જિલ્લાના અનેક વિસ્તારોમાં ઊભા પાકને પાણીની તાતી જરૂરિયાત છે. આવા સમયે સિંચાઈ માટેનું પાણી બંધ કરવામાં આવતાં ખેડૂતો ભારે મુંઝવણમાં મૂકાયા છે.
ખેડૂતોનું કહેવું છે કે વરસાદના અભાવે મકાઈ, ડાંગર, કપાસ, મગફળી અને અન્ય ખરીફ પાકોને નુકસાન થવાની શક્યતા વધી છે. કેનાલ અને નદી આધારિત સિંચાઈ પર નિર્ભર ખેડૂતો માટે આગામી દિવસો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
સારો વરસાદ નહીં પડે તો પાકને નુકસાનની ભીતિ
હવામાનમાં ઝડપથી ફેરફાર ન થાય અને આગામી દિવસોમાં સારો વરસાદ ન પડે તો મધ્ય ગુજરાતના કૃષિ પાકોને મોટું નુકસાન થઈ શકે છે. પાણીના અભાવે પાકનો વિકાસ અટકી શકે છે અને ખેડૂતોને ફરી વાવેતર કરવાની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે.
એક તરફ તંત્ર માટે પીવાના પાણીનો જથ્થો જાળવવો જરૂરી બન્યો છે, તો બીજી તરફ સિંચાઈ બંધ થતાં ખેડૂતોની ચિંતા વધી છે. હવે ખેડૂતો અને તંત્ર બંનેની નજર આગામી વરસાદી સિસ્ટમ પર ટકેલી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel