ડિંડોલીમાં રહેતી મહિલાનું લગ્નના નામે ૧૧ વર્ષ યૌનશોષણ કરી વિધર્મી યુવક રૂ. ૪૦ લાખ પડાવી પરિવાર સાથે આફ્રિકા ભાગી ગયો હતો. બેંકની નોકરી વેળા મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી રાંદેરના સમીર ઐયુબ કાકાએ પોત પ્રકાશી પીડિતાને ધર્મ પરિવર્તન કરવા દબાણ કરી અત્યાચાર ગુજારતો હતો.
મળતી વિગતો પ્રમાણે ડિંડોલીમાં રહેતા ૩૯ વર્ષીય મીનાબેન (નામ બદલ્યું છે) જમીન-મકાન દલાલી કરે છે. વર્ષ ૨૦૧૧માં તેઓ બેંકમાં નોકરી કરતા હતા ત્યારે સેલ્સ મેનેજર સમીર ઐયુબ કાકા સાથે સંપર્ક થયો હતો. તેઓ વચ્ચે મિત્રતા થતા કોફી પીવા તથા રેસ્ટોરન્ટમાં જમવા પણ જતા હતા. ત્યારબાદ સમીરે પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો હતો. લગ્ન નહિ કરે તો આત્મહત્યા કરી લેવાની પણ ઇમોશનલ વાતો તે કરતો હતો. આ રીતે પ્રેમજાળમાં ફસાવી સમીર મીનાબેનના તેના ઘરે લઇ ગયો હતો. પરિવારજનો સાથે મુલાકાત કરાવી લગ્ન કરવાની ખાતરી આપી હતી.
વર્ષ ૨૦૧૫માં તેઓ ઉભરાટ ફરવા ગયા હતા. જ્યાં હોટલમાં રોકાણ વેળા સમીરે મીનાબેનની ઓળખ પોતાની પત્ની તરીકે આપી હતી. અહીં હોટલમાં સમીરે બળજબરી કરી મીનાસાથે શરીર સંબંધ બાંધ્યો હતો. આ ઉપરાંત, સમીર ખર્ચા તો મીના પાસે જ કરાવતો હતો. સમીરે ગિફ્ટ પેટે સોનાની ચેઈન અને વીંટી પણ મીના પાસે પડાવી લીધી હતી. જોકે, લગ્નના નામે તે વાત ટાળતો રહેતો હતો. ત્યારબાદ સમીરના ભાઈ કાસીમે ફ્લેટ ખરીદ્યો હોય તેને ચૂકવવાના થતા પૈસા માટે મદદ માંગી મીનાબેને ૫ લાખ સમીરને આપ્યા હતા. સમીર વાતોમાં ભોળવી વિશ્વાસ કેળવી વારંવાર મીનાબેન સાથે સંબંધ બાંધતો હતો. થોડા સમય બાદ સમીરે ૬૦ હજારના ૨ મોબાઇલ અને મોબાઈ લની ડિસ્પ્લેના ૧૬ હજાર રૂપિયા પણ પડાવી લીધા હતા.