ગુજરાતના વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચાવનારા ઘટનાક્રમમાં સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અંદાજે ₹1500 કરોડના જમીન કૌભાંડ મામલે EDની ત્રણ ટીમોએ ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને લાંબી પૂછપરછ કર્યા બાદ આ કડક કાર્યવાહી કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ રાજેન્દ્ર પટેલની લગભગ ત્રણ કલાક સુધી સઘન પૂછપરછ કરવામાં આવી, જેમાં તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. ત્યારબાદ EDએ તેમને ધરપકડ કરી છે અને હવે તેમને વિશેષ અદાલતમાં રજૂ કરીને રિમાન્ડની માંગ કરવામાં આવશે.
આ સમગ્ર મામલો સુરેન્દ્રનગર જિલ્લામાં ખેતીની જમીનને બિનખેતી (NA)માં ફેરવવાના મોટા કૌભાંડ સાથે જોડાયેલો છે. તપાસમાં સામે આવ્યું છે કે સત્તાનો દુરુપયોગ કરીને કરોડોની કિંમતની જમીનોને NA મંજૂરી આપવાના બદલામાં મોટી રકમની લેતીદેતી કરવામાં આવી હતી. આ કૌભાંડની ગંભીરતા જોતા EDએ 23 ડિસેમ્બર 2025ના રોજ સુરેન્દ્રનગરના કલેક્ટર સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓના રહેઠાણો પર દરોડા પાડ્યા હતા. તે સમયે અનેક દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓ જપ્ત કરવામાં આવ્યા હતા, જેના આધારે મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારના એંગલથી તપાસ આગળ ધપાવવામાં આવી.
આ મામલે અગાઉ સુરેન્દ્રનગર ACBમાં પણ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે. ACBની તપાસ દરમિયાન પણ સ્પષ્ટ થયું હતું કે NA મંજૂરી પ્રક્રિયામાં ગંભીર અનિયમિતતાઓ અને કરોડો રૂપિયાની ગેરરીતિ થઈ હતી. EDએ આ કેસમાં આર્થિક લેવડદેવડ, બેન્ક ટ્રાન્ઝેક્શન્સ અને સંપત્તિની વિગતો ખંગાળી હતી, જેના આધારે હવે ધરપકડ સુધી પહોંચવામાં આવી છે.
રાજેન્દ્ર પટેલની ધરપકડ સાથે જ આ કૌભાંડમાં સામેલ અન્ય અધિકારીઓ પર પણ સકંજો કસાયો છે. અગાઉ આ કેસમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર કચેરીના ક્લાર્ક મયૂર ગોહિલ અને કલેક્ટરના અંગત મદદનીશ જયરાજસિંહ ઝાલા સામે પણ ગુના નોંધાઈ ચૂક્યા છે. હવે રાજેન્દ્ર પટેલની ધરપકડ બાદ તપાસ એજન્સીઓની નજર એ તરફ છે કે આ કૌભાંડમાં હજુ કયા મોટા નામો બહાર આવે છે.
ઉલ્લેખનીય છે કે કૌભાંડની ગંધ આવતા અને તપાસ શરૂ થતા જ રાજ્ય સરકારે રાજેન્દ્ર પટેલની સુરેન્દ્રનગરથી તાત્કાલિક અસરથી બદલી કરી હતી. જોકે, ED દ્વારા મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારના પાસાઓની તપાસ ચાલુ રાખવામાં આવી હતી, જેનો અંત આજે તેમની ધરપકડમાં થયો છે. આ કાર્યવાહીથી રાજ્યના વહીવટી તંત્રમાં કડક સંદેશો ગયો છે કે ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગ સામે સરકાર અને તપાસ એજન્સીઓ કોઈ પણ સ્તરે કાર્યવાહી કરવા તૈયાર છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel