સુરેન્દ્રનગર જિલ્લાના આમ આદમી પાર્ટી (AAP)ના સક્રિય નેતા રાજુ કરપડાએ પોતાના તમામ પદોથી રાજીનામું આપી દીધું છે. રાજીનામા પાછળ તેમણે વ્યક્તિગત કારણોનો ઉલ્લેખ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. તેમણે પાર્ટી પ્રત્યે આભાર વ્યક્ત કરતાં પોતાનું રાજીનામું સીધું અરવિંદ કેજરીવાલને મોકલ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ નિર્ણય બાદ ગુજરાતની રાજકીય પરિસ્થિતિમાં ચર્ચાઓનો માહોલ ગરમાયો છે.
ગોપાલ ઇટલીયા સાથે નારાજગીની ચર્ચાઓ
મળતી માહિતી મુજબ રાજુ કરપડા અને AAP ગુજરાતના નેતા ગોપાલ ઇટલીયા વચ્ચે નારાજગી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. કહેવાય છે કે આ નારાજગીના પગલે રાજુ કરપડાએ ફેસબુક પોસ્ટ મારફતે પાર્ટીમાંથી રાજીનામાની જાહેરાત કરી હતી. જોકે, સત્તાવાર રીતે રાજીનામા પાછળના ચોક્કસ કારણો અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ખેડૂત નેતા તરીકે સક્રિય ભૂમિકા
રાજુ કરપડા વર્ષ 2021-22 દરમિયાન આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને ત્યારથી પાર્ટીમાં વિવિધ મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી રહ્યા હતા. તેઓ પાર્ટીના કિસાન સેલના પ્રમુખ તરીકે કામગીરી સંભાળી ચૂક્યા છે. વર્ષ 2022માં તેમણે સુરેન્દ્રનગરની ચોટીલા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી.
ખેડૂતોના પ્રશ્નોને લઈને તેઓ સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. માર્કેટિંગ યાર્ડમાં થતી ગેરરીતિઓ, ખેડૂતોને યોગ્ય ભાવ ન મળવાના મુદ્દાઓ અને ખેડૂત હિત માટેના આંદોલનોમાં તેઓ સક્રિય રહ્યા હતા.
કડદા કાંડ કેસ અને જેલ યાત્રા
ઉલ્લેખનીય છે કે રાજુ કરપડા તાજેતરમાં જ 100થી વધુ દિવસો જેલમાં રહીને બહાર આવ્યા હતા. બોટાદ જિલ્લાના કડદા કાંડ મામલે ખેડૂતોના હક માટે યોજાયેલી સભા દરમિયાન પથ્થરમારો અને પોલીસ વાહનોને નુકસાન પહોંચાડવાના આરોપો હેઠળ ખેડૂત આગેવાનો સહિત કુલ 85 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી.
આ કેસમાં રાજુ કરપડા, પ્રવીણ રામ અને રમેશ મેર સહિત સાત આગેવાનોને જેલવાસ ભોગવવો પડ્યો હતો. બાદમાં કોર્ટે તેમની જામીન અરજી મંજૂર કરી હતી.
રાજીનામા બાદ રાજકીય અટકળો તેજ
AAP ગુજરાતમાં સક્રિય ખેડૂત નેતા તરીકે ઓળખાતા રાજુ કરપડાના રાજીનામા બાદ હવે તેમની આગામી રાજકીય દિશા અંગે અનેક અટકળો શરૂ થઈ ગઈ છે. પાર્ટી તરફથી આ મુદ્દે સત્તાવાર પ્રતિભાવની રાહ જોવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel