સુરેન્દ્રનગર જિલ્લાના રતનપર અને જોરાવરનગરના ત્રણ યુવાનો માટે ઉજ્જૈન મહાકાલેશ્વર દાદાની યાત્રા દુઃખદ અંત સાથે પૂર્ણ થઈ છે. મધ્ય પ્રદેશના બદનાવર નજીક બનેલા ભયાનક માર્ગ અકસ્માતમાં બે યુવાનોના મોત નિપજ્યા છે, જ્યારે એક મિત્ર હાલ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મળતી માહિતી મુજબ, ત્રણેય મિત્રો મહાકાલના દર્શનાર્થે કાર દ્વારા ઉજ્જૈન ગયા હતા. દર્શન પૂર્ણ કરીને પરત ફરતી વખતે બદનાવર નજીક અચાનક એક બાઈક સવાર રસ્તામાં આવી જતા કાર ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે કાર આશરે 20 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી હતી.
આ ગમખ્વાર અકસ્માતમાં જયદીપસિંહ ઝાલા અને કાનભા પરમારનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે યશ દંગી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. તેને તાત્કાલિક સારવાર માટે રતલામની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ચિંતાજનક હોવાનું જાણવા મળ્યું છે.
બંને મૃતકોના પાર્થિવ દેહ જ્યારે તેમના વતન પહોંચ્યા ત્યારે પરિવારોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. રતનપર ગામમાં હજારો લોકો અને ક્ષત્રિય સમાજના આગેવાનોની હાજરીમાં બંને મિત્રોની અંતિમવિધિ એકસાથે યોજાઈ હતી.
આ દુર્ઘટનાની ખબર ફેલાતા સમગ્ર ઝાલાવાડ પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે. હસતા-રમતા મહાકાલના દર્શન કરવા ગયેલા યુવાનોના અકાળે અવસાનથી સમાજમાં ભારે દુઃખની લાગણી વ્યક્ત થઈ રહી છે. હાલમાં સ્થાનિક પોલીસ દ્વારા અકસ્માતના કારણોની તપાસ ચાલી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel