પાટણ જિલ્લાના રાધનપુર વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા જિલ્લા કોંગ્રેસને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. રઘુ દેસાઈએ માત્ર કોંગ્રેસની પ્રાથમિક સભ્યતાથી જ નહીં, પરંતુ પક્ષના તમામ હોદાઓ પરથી રાજીનામું આપ્યું છે. સૂત્રો મુજબ, પક્ષમાં પોતાને યોગ્ય સ્થાન અને માન-મરાતબો ન મળતા તેમજ સ્થાનિક નેતૃત્વ સાથેના મતભેદોને કારણે તેમણે આ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે.
રઘુ દેસાઈએ પોતાના રાજીનામાની માહિતી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જાહેર કરી હતી. તેમની આ પોસ્ટ થોડા જ કલાકોમાં વાયરલ થઈ ગઈ અને જિલ્લા તેમજ રાજ્યના કોંગ્રેસ વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી દીધી. રાજીનામાની જાણ થતાં જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ હરકતમાં આવી ગયા હતા. કેટલાક અગ્રણીઓ રઘુ દેસાઈને મનાવવા માટે તેમના નિવાસસ્થાને પણ પહોંચ્યા હતા. હાલમાં પક્ષના નેતાઓ તેમની સાથે ચર્ચા કરીને તેમને ફરી પાર્ટીમાં રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ દેસાઈ પોતાનો નિર્ણય બદલશે કે નહીં તે બાબતે હજી સ્પષ્ટતા નથી.
રઘુ દેસાઈ રાધનપુર વિસ્તારમાં કોંગ્રેસના પ્રભાવશાળી નેતા માનવામાં આવે છે અને તેઓએ અગાઉ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મજબૂત સ્થિતિમાં લાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમના રાજીનામાથી સ્થાનિક સ્તરે કોંગ્રેસ સંગઠન નબળું પડવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. રાજકીય વર્તુળોમાં એવી પણ અટકળો છે કે દેસાઈ આવનારા સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે, જો કે આ બાબતે હજી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel