ઉત્તરાખંડના પૂર્વ સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવતની તબિયત લથડી ગઈ છે. પૂર્વ સીએમની તબિયત લથડતા જ તેમને તાત્કાલિક દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હરીશ રાવતે છાતીમાં ભારેપણું અને ગભરાટ થતી હોવાની ફરિયાદ કરી હતી અને ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કરણ મહારા સહિત કોંગ્રેસના અનેક નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પૂર્વ સીએમ હરીશ રાવત આજે સવારે રામનગર હલ્દ્વાની જવા માટે નાકળ્યા હતા ત્યારે જ લચ્છીવાલા લચ્છીવાલા ટોલ પ્લાઝા પાસે તેમની તબિયત લથડી હતી. તેમને અપચો, ઉલટી, છાતીમાં ભારેપણું અને ગભરાટ થવા લાગી હતી ત્યારબાદ તેની સાથે હાજર લોકો તેમને તરત જ દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં લઈ ગયા.
હરીશ રાવતની તબિયતને ધ્યાનમાં રાખી ડોક્ટરોએ તાત્કાલિક તેમનું ચેકઅપ કર્યું અને પછી તેમને જરૂરી ટેસ્ટ કરાવવાની સલાહ પણ આપી. બીજી તરફ કોંગ્રેસ કાર્યકર્તાઓને હરીશ રાવતને હોસ્પિટલમાં દાખલ કર્યા હોવાના સમાચાર મળતા જ તેઓ તેમને મળવા માટે હોસ્પિટલમાં પહોંચી રહ્યા છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ કરણ માહરા પણ કાર્યકર્તાઓ સાથે તેમના ખબર-અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચી ગયા હતા.
પૂર્વ સીએમ હરીશ રાવતની તબિયત હાલ સારી હોવાની માહિતી મળી રહી છે. ડોક્ટરનું કહેવું છે કે, તેમની તબિયત સારી છે. આજે સાંજ સુધીમાં તેમને હોસ્પિટલમાંથી રજા મળી શકે છે. જોકે, હોસ્પિટલમાં તેમના શુભેચ્છકોનો ધસારો શરૂ થઈ ગયો છે.