નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા કછોલી ગામે ગંગેશ્વર મહાદેવનું મંદિર આવેલુ છે. પૂર્વાભિમુખ મંદિરે ગંગાનું ઝરણું અને સામે અંબિકા નદી વહે છે. અહીં દર્શને આવતા શ્રદ્ધાળુઓ ચારધામના દર્શન કર્યાનો અહેસાસ કરે છે. દક્ષિણ ગુજરાતના લાખો શ્રદ્ધાળુ મંદિરે આવી શિવજીના દર્શન કરી ભગવાન ભોળેનાથના આશીર્વાદ લઈ અલૌકિક આનંદની લાગણીનો અનુભવ કરે છે. મહાદેવના ઉપાસક સાથે ધર્મપ્રેમી અને ન્યાયપ્રેમી ગણાતા મીનળદેવીના ઇતિહાસ સાથે જોડાયેલ ગંગેશ્વર મહાદેવ દાદા દેશ અને વિદેશમાં આસ્થાનું કેન્દ્ર બન્યા છે. એક હજાર વર્ષથી પણ વધારે જૂનું મંદિર પહેલા અંબિકા નદીમાં હતું. ઉનાળા અને શિયાળા દરમ્યાન ભક્તો શિવજીને અભિષેક તેમજ પૂજા અર્ચના કરતા હતા પણ ચોમાસા દરિમયાન શિવલિંગ પાણીમાં જતું રહેતું હોવાથી શ્રદ્ધાળુઓ પૂજાના લાભથી વંચિત રહેતા હતા. મંદિર પાસે મા ગંગા પ્રગટ થયા તેનો ઈતિહાસ જોઈએ તો વર્ષો પહેલા કછોલી ગામે બ્રાહ્મણ પરિવારના એક તપસ્વી રહેતા હતા. જેમની સમાધિ આજે આ મંદિર પાસે યથાવત છે. બ્રાહ્મણ તપસ્વી દર વર્ષે પગપાળા હરદ્વાર જઈ એક મટકીમાં ગંગાજળ લાવીને શિવજીને અર્પણ કરતા હતા. વર્ષો આ પરંપરા ચાલી અને જ્યારે તે તપસ્વી વૃદ્ધા અવસ્થામાં આવ્યા તેના કારણે મંદિરે જઈ શકતા નહોતા અને હરિદ્વાર જવું પણ કઠીન હતું એટલે તેમણે મા ગંગાને પ્રાર્થના કરી. અને મા ગંગાએ પ્રસન્ન થઈ તેમના સ્વપ્નમાં આવી જે આશીર્વાદ આપ્યા તેનાથી વર્તમાનમાં અહિં આવતા દરેક શ્રદ્ધાળુઓ મા ગંગાના દર્શન કરી શકે છે અને ધન્યતા અનુભવે છે.
ગણદેવીના કછોલી ગામે ગંગેશ્વર મહાદેવ બિરાજમાન
ગંગેશ્વરધામ દક્ષિણ ગુજરાતનું મોક્ષધામ પણ કહેવાય
શિવરાત્રિના દિવસો શિવજીની આરાધના વિશેષ ફળ આપનારી છે અને સાધકની ઉર્જા ઉપર ઊઠતી હોય છે તેવા તમામ લાભ શિવજીના ચરણોમાં શીશ નમાવવાથી મળતા હોય છે જેને લઇને શિવરાત્રિના પાવન અવસરે અહીં દૂરદૂરથી ભાવિક ભક્તો મહાદેવના દર્શને આવે છે મંદિરે મેળાનો માહોલ સર્જાય છે. ભક્તોના ઉમટતા ઘોડાપુરના કારણે દરેક ભાવિકોની મહાદેવજીના દર્શન કરવા માટે લાંબી કતાર લાગે છે. મહાદેવજીના મંદિરની બાજુ ગંગાનદી અને અંબિકાનો સંગમ છે એટલે અહિં પિતૃ તર્પણ અને અનેક વિધિ કે ક્રિયાઓ કરવામાં આવે છે. મોક્ષ માર્ગે લઈ જનારી તમામ વિધિ કાશી, ચાણોદ, અને પ્રયાગરાજમાં કરવામાં આવે છે તેવી તમામ વિધી જે અહિં પણ કરવામાં આવે છે અને કાશી, ચાણોદ અને પ્રયાગરાજ જેટલું મહત્વ ધરાવે છે અને એટલે જ ગંગેશ્વરધામ દક્ષિણ ગુજરાતનું મોક્ષધામ પણ કહેવાય છે.
શિવજી, મા ગંગા અને મહાત્માની સમાધિના દર્શન
કછોલી ગામમાં વસતા લોકો વર્ષોથી નિયમિત ભોળેનાથના દર્શને આવે છે. તેમની ગંગેશ્વર મહાદેવના મંદિરે અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે. જ્યારે જીવ શિવનો જાપ કરે ત્યારે મોક્ષ પ્રાપ્તિ મેળવે છે. અહિં આવતા શ્રદ્ધાળુઓને પૂરી શ્રદ્ધાને લઈને અંતકરણથી શિવની ભક્તિ કરીને મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે. એટલે જીવ અને શિવનું મિલન કરાવતુ ધામ છે કછોલીનું ગંગેશ્વરધામ. અનેક વિશેષતા ધરાવતુ ગંગેશ્વર મહાદેવનું મંદિર આધુનિકરણથી ઘણું દૂર રહ્યું છે. મંદિર અને તેની આજુબાજુની નયનરમ્ય કુદરતી વાતવરણની સુંદરતા અહીંના સેવકોએ જાળવી રાખી છે. ગંગેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા આવતા ભાવિકો દર્શન કરી શાંતિનો અહેસાસ કરી મંદિર પરિસરમાં ભોળાના સાનિધ્યમાં દિવસ વિતાવી સકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરે છે