એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી ટૂંક સમયમાં મિસાઈલ અને ડ્રોન બનાવતા જોવા મળશે. રિપોર્ટ અનુસાર ગૌતમ અદાણીનું ગ્રુપ અદાણી ગ્રુપ તેલંગાણામાં મિસાઈલ અને કાઉન્ટર ડ્રોન સિસ્ટમની ફેક્ટરી લગાવી શકે છે. તાજેતરમાં, અદાણી પોર્ટ્સના સીઈઓ કરણ અદાણીએ તેલંગાણાના સીએમ એ રેવંત રેડ્ડી સાથે મુલાકાત કરી હતી.
તેલંગાણાના સીએમ સાથેની બેઠકમાં ગૌતમ અદાણીના મોટા પુત્ર કરણ અદાણીની સાથે અદાણી ડિફેન્સના CEA અને એરોસ્પેસ આશિષ રાજનવંશી પણ હાજર હતા. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ આ બેઠકમાં મિસાઈલ અને ડ્રોન બનાવવા અંગે ચર્ચા થઈ હતી.
તમને જણાવી દઈએ કે, આ ગ્રુપ રાજ્યમાં વિન્ડ અને પાવર પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા માગે છે. આ બધા ઉપરાંત, અદાણી જૂથે રાજ્યમાં તેના વર્તમાન ડેટા સેન્ટરની ક્ષમતામાં 300 મેગાવોટ વધારો કરવા માટે પણ સંમતિ દર્શાવી છે.
આ બેઠકમાં તેલંગાણાના સીએમએ પણ ખાતરી આપી છે કે અદાણી ગ્રુપને રાજ્ય સરકાર તરફથી સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે. ઉપરાંત નવા ઉદ્યોગોને સબસિડી પણ આપવામાં આવશે. તેમણે કહ્યું છે કે સરકાર રાજ્યમાં રોજગાર વધારવાનો પ્રયાસ કરી રહી છે.
છેલ્લા કેટલાક સમયથી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સંરક્ષણ ક્ષેત્ર પર ભાર આપી રહી છે. આત્મનિર્ભર ભારત હેઠળ, સરકાર દેશમાં મિસાઇલો વગેરેનું ઉત્પાદન કરવા કંપનીઓને પ્રોત્સાહિત અને સમર્થન આપી રહી છે. આનું પરિણામ એ છે કે હવે ઘણા દેશો ભારત પાસેથી સંરક્ષણ ઉત્પાદનો ખરીદી રહ્યા છે.