નાણાં વર્ષ ૨૦૨૯-૩૦ સુધીમાં જનરેટિવ આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ (જીડીપી)માં ૩૫૯ અબજ ડોલરથી ૪૩૮ અબજ ડોલર વચ્ચેનો ઉમેરો કરી શકે છે, એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ડેપ્યુટી ગવર્નર માઈકલ ડી પાત્રાએ જણાવ્યું હતું.
ભારતની કંપનીઓ દ્વારા ઉત્પાદન પ્રક્રિયામાં એઆઈનો સ્વીકાર ૨૦૨૩માં આઠ ટકા હતો તે ૨૦૨૪માં નોંધપાત્ર વધી ૨૫ ટકા પહોંચી ગયો છે.
ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રકચર, વાયબ્રન્ટ ઈન્ફરમેશન ટેકનોલોજી તથા યુવાધન સાથે વિકાસના નવા માર્ગોને ખોલવા અને વર્તમાનનો મહત્તમ ઉપયોગ કરવા ભારત સજ્જ છે.
ધારણાં સૂચવે છે કે, જનરેટિવ એઆઈ ભારતના જીડીપીમાં નાણાં વર્ષ ૨૦૨૯-૩૦ સુધીમાં ૩૫૯ અબજ ડોલરથી ૪૩૮ અબજ ડોલર વચ્ચેનો ઉમેરો કરી શકે છે. દેશની કંપનીઓ દ્વારા ઉત્પાદન પ્રક્રિયામાં એઆઈનો સ્વીકાર ૨૦૨૪માં વધી ૨૫ ટકા પહોંચી ગયો છે, જે ૨૦૨૩માં આઠ ટકા હતો એમ પાત્રાએ જણાવ્યું હતું.
જયપુર ખાતે એક પરિષદમાં તેઓ બોલી રહ્યા હતા. ભારતની બેન્કોના સર્વેમાં જણાયું છે કે, દરેક બેન્કોએ મોબાઈલ તથા ઈન્ટરનેટ બેન્કિંગનો અમલ કર્યો છે ત્યારે ૭૫ ટકા બેન્કો ઓનલાઈન એકાઉન્ટ ખોલવાની સુવિધા પૂરી પાડે છે. કેવાયસી પણ ડિજિટલ કરાઈ રહ્યા છે.
આ ઉપરાંત ૬૦ ટકા બેન્કો ડિજિટલ ધિરાણ પૂરુ પાડે છે તથા ૪૧ ટકા ચેટબોટસનો ઉપયોગ કરે છે. ૧૦ ટકા બેન્કો સંકલિત ઈન્ટરનેટ ઓફ થિંગ્સ ટેકનોલોજી ધરાવે છે.
ટેકનોલોજીના સ્વીકારમાં ખાનગી બેન્કો આગળ છે, એમ પણ પાત્રાએ જણાવ્યું હતું. જનરેટિવ એઆઈ આગામી ત્રણ વર્ષમાં વૈશ્વિક જીડીપીમાં ૭થી ૧૦ ટ્રિલિયન ડોલરનો ઉમેરો કરી શકે છે.