ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મોનિટરી પોલિસી કમિટીએ (MPC) 7 ફેબ્રુઆરી, 2025ના રોજ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરીને તેને 6.50% થી 6.25% પર લાવ્યો છે.
ભારતીય રિઝર્વ બેંક (RBI)એ રેપો રેટમાં ઘટાડો કર્યા બાદ બેંકોએ હોમ લોન પરના વ્યાજ દર ઘટાડવાનું શરૂ કરી દીધા છે. આ ક્રમમાં છ મોટી બેંકોએ હોમ લોન પર વ્યાજ દર ઘટાડ્યા છે. આરબીઆઈના નવા ગવર્નર સંજય મલ્હોત્રાની આગેવાની હેઠળ સાતમી ફેબ્રુઆરીએ આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક યોજાઈ હતી, જેમાં એમપીસીએ પાંચ વર્ષના ગાળા બાદ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે અને હવે તે ઘટીને 6.25 ટકા પર પહોંચ્યો છે. આ દર છેલ્લા બે વર્ષથી સ્થિર હતા. રેપો રેટ ઘટ્યા બાદ મોટાભાગના હોમ લોનધારકો આશા સેવી રહ્યા છે કે, બેંક હોમ લોનના વ્યાજ દરોમાં ઘટાડો કરશે. આરબીઆઈના નિર્ણય બાદ દેશની છ બેંકોએ હોન લોન પરના વ્યાજ દરો ઘટાડ્યા છે. કેનેરા બેંક, પંજાબ નેશનલ બેંક (PNB), યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા અને બેંક ઓફ બડોદા સહિત અનેક બેંકોએ પણ પોતાના રેપો લિંક્ડ લેંડિંગ રેટ (RLLR)માં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે.
આ છ બેંકોએ હોમ લોન પરના વ્યાજદર ઘટાડ્યા
- કેનેરા બેંકે (Canara Bank) તેનો RLLR 9.25 ટકાથી ઘટાડીને 9.00 ટકા કર્યો છે. આ નવો દર 12 ફેબ્રુઆરી 2025થી લાગુ થશે અને 12 ફેબ્રુઆરી 2025ના રોજ અથવા તે પછી ખોલવામાં આવેલા ખાતાઓ પર જ લાગુ થશે. અથવા RLLR સિસ્ટમમાં 3 વર્ષ પૂર્ણ કર્યા છે.
- બેંક ઓફ બરોડા (Bank of Baroda)એ તેના બરોડા રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ (BRLLR)ને 8.90 ટકા પર સુધાર્યો છે, જે 10 ફેબ્રુઆરી, 2025થી અમલમાં આવશે.
- બેંક ઓફ ઈન્ડિયા (Bank of India)એ તેનો RLLR 9.35 ટકાથી ઘટાડીને 9.10 ટકા કર્યો છે. આ દર 7 ફેબ્રુઆરી 2025થી અમલમાં આવ્યો છે.
- યુનિયન બેંક ઓફ ઈન્ડિયા (Union Bank Of India)એ તેનો RLLR 9.25 ટકાથી ઘટાડીને 9.00 ટકા કર્યો છે. આ દર 11 ફેબ્રુઆરી 2025થી લાગુ થશે.
- ઈન્ડિયન ઓવરસીઝ બેંક (Indian Overseas Bank-IOB) એ તેના RLLRમાં 25 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કર્યો છે, જે અગઆઉ 9.35 ટકા હતો અને હવે 9.10 ટકા પર લવાયો છે. આ ફેરફાર 11 ફેબ્રુઆરી 2025થી અમલમાં આવશે.
- પંજાબ નેશનલ બેંકે (Punjab National Bank) પણ તેના RLLRને 9.25 ટકાથી ઘટાડીને 9.00 ટકા કર્યો છે. આ દર 10 ફેબ્રુઆરી 2025થી લાગુ થશે.
25 બેસિસ પોઈન્ટના ઘટાડા પછી EMI કેટલો થશે?
જો કોઈએ 20 લાખ રૂપિયાની હોમ લોન લીધી હોય અને લોન પર વ્યાજ 8.5 ટકા હોય અને મુદત 20 વર્ષ માટે હોય, તો EMI 17,356 રૂપિયા હશે, પરંતુ RBI દ્વારા વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટ અથવા 0.25 ટકાનો ઘટાડો કર્યા પછી, લોનનો વ્યાજ દર 8.25 ટકા થઈ જશે. તેના આધારે 20 લાખ રૂપિયાની લોન પર માસિક EMI તરીકે માત્ર 17,041 રૂપિયા ચૂકવવા પડશે. એટલે કે દર મહિને 315 રૂપિયાની બચત થશે.
ફેબ્રુઆરી 2023થી સ્થિર હતો રેપો રેટ
આ પહેલા ફેબ્રુઆરી 2023થી રેપો રેટને 6.5 ટકા પર સ્થિર રાખવામાં આવ્યો છે જેમાં કોઈ ફેરફાર કરાયા નહોતા. છેલ્લે 2020માં કોરોના મહામારી વખતે રેપો રેટમાં ઘટાડો કરાયો હતો પણ તેના પછી ધીમે ધીમે તેને વધારીને 6.50 ટકા કરી દેવાયો હતો.