હરિયાણા અને પંજાબના ભૂગર્ભ જળને લઈને એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો કે, રાજ્યના અનેક જિલ્લા એવા છે જ્યાં ભૂગર્ભ જળ પીવાલાયક નથી. તેમાં મર્યાદિત સીમાથી વધારે માત્રામાં યુરેનિયમ, નાઇટ્રેટ, આર્સેનિક મળી આવ્યા છે. જોખમ એટલું વધારે છે કે, તેને પીવાથી શારીરિક અવયવો ખરાબ થવા, નવજાતોમાં બીમારી અને કેન્સર જેવા જોખમ થઈ શકે છે.
CGWB એટલે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વૉટર બોર્ડની વાર્ષિક ક્વોલિટી રિપોર્ટ અનુસાર, પંજાબના 20 અને હરિયાણાના 16 જિલ્લામાં ભૂગર્ભ જળની ગુણવત્તા ખૂબ જ ખરાબ છે. અહીં યુરેનિયમનું સ્તર 30 પીપીબીથી વધારે જોવા મળ્યું હતું. તેના નમૂના મે 2023માં એકત્ર કરવામાં આવ્યા હતા. ખાસ વાત એ છે કે, 2019માં પંજાબમાં આવા જિલ્લાઓની સંખ્યા 17 અને હરિયાણામાં 18 હતી. હવે પંજાબમાં પ્રભાવિત જિલ્લાની સંખ્યા વધી ગઈ છે.
પંજાબ-હરિયાણામાં ભૂગર્ભ જળમાં યુરેનિયમ અને નાઇટ્રેટનું વધતું પ્રદૂષણ ચિંતાજનક
1. યુરેનિયમ પ્રદૂષણ:
- 30 પીપીબીથી વધારે યુરેનિયમવાળું પાણી પીવા યોગ્ય નથી, કારણ કે તે યુરિનરી ટ્રેક્ટ કેન્સર અને અંગપ્રદૂષણનો ખતરો ઊભો કરી શકે છે.
- 42% નમૂનાઓ (રાજસ્થાન) અને 30% નમૂનાઓ (પંજાબ) 100 પીપીબીથી વધુ યુરેનિયમ ધરાવે છે, જે ગંભીર ચિંતાનો વિષય છે.
- ભૂગર્ભ જળમાં યુરેનિયમ વધવાનું એક મુખ્ય કારણ કૃષિ ભૂમિમાં રાસાયણિક ખાતરના વધતા ઉપયોગને માનવામાં આવે છે.
2. નાઇટ્રેટ પ્રદૂષણ:
- હરિયાણામાં 128 નમૂનાઓ અને પંજાબમાં 112 નમૂનાઓ મર્યાદા (45 mg/L) કરતાં વધુ નાઇટ્રેટ ધરાવે છે.
- 21 જિલ્લાઓ (હરિયાણા) અને 20 જિલ્લાઓ (પંજાબ) નું પાણી નાઇટ્રેટ પ્રદૂષિત છે.
- નાઇટ્રેટયુક્ત પાણીથી નવજાત શિશુઓમાં “બ્લૂ બેબી સિન્ડ્રોમ” થવાનો ખતરો છે, જેના કારણે શરીરમાં ઓક્સિજન પહોંચતા મુશ્કેલી ઊભી થાય છે.
આર્સેનિક
પંજાબના 12 અને હરિયાણાના 5 જિલ્લાના ભૂગર્ભ જળમાં આર્સેનિકનું સ્તર 10 પીપીબીથી વધારે જોવા મળ્યું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, ‘આર્સેનિકના કારણે ત્વચા અને આંતરિક કેન્સર જેવી બીમારીઓ થઈ શકે છે. કાર્સિનોજેનિક ઇફેક્ટ્સ સિવાય લાંબા સમય સુધી આર્સેનિકના સંપર્કમાં રહેવાથી કાર્ડિયોવેસ્કુલર અને ડાયાબિટીસની સમસ્યા થઈ શકે છે’.
ક્લોરાઇડ
ભૂગર્ભ જળમાં ક્લોરાઇડ પ્રાકૃતિક અથવા એન્થ્રોપોજીનિક સ્ત્રોતથી આવે છે. જ્યાં ભૂગર્ભ જળમાં ક્લોરાઇડ પ્રમાણ 1000 એમજી પ્રતિ લીટરથી વધારે હોય છે, તે પીવાલાયક પાણી નથી. હરિયાણામાં આા 9.67 ટકા નમૂના છે, જે આ સીમાને પાર કરી ગયા છે. વળી, પંજાબમાં 2 ટકાથી ઓછા ટેસ્ટ નિષ્ફળ થયા. બંને રાજ્યોના 17-17 જિલ્લામાં ક્લોરાઇડની માત્રા મર્યાદિત સીમાથી વધારે જોવા મળી છે.