સ્વ.રત્નસિંહજી મહિડાએ આદિવાસી બાળકોને વિનામૂલ્યે શિક્ષણની અમૂલ્ય તક પૂરી પાડી અસંખ્ય લોકોને મુખ્ય ધારામાં લાવી તેમના જીવનમાં આમૂલ પરિવર્તન આણ્યું
પ્રતિષ્ઠિત સમાજ સુધારક, શિક્ષણવિદ, સ્વ. રત્નસિંહજી મહિડાએ વર્ષ-૧૯૫૭ બાદ સ્થાપેલી ૭૨ જેટલી શૈક્ષણિક સંસ્થાઓ થકી આજે પણ આદિવાસી સમાજમાં બાળમંદિરથી મહાવિદ્યાલય શિક્ષણ યજ્ઞ કાર્યરત
રાજપીપલાના જાણીતા કલાકાર સુશ્રી વિરાજકુમારી મહિડાએ તેમના દાદા અને પ્રતિષ્ઠિત સમાજ સુધારક, શિક્ષણવિદ, સ્વર્ગસ્થ શ્રી રત્નસિંહજી મહિડાના વારસાને યાદ કરવા માટે ‘રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ’ની સ્થાપના કરી છે. આ એવોર્ડનો ઉદ્ઘાટન સમારોહ તા.૧૨ એપ્રિલ-૨૦૨૫ના રોજ હનુમાન જયંતિ નિમિત્તે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોની હાજરીમાં રાજપીપળા ખાતે યોજાશે.
સ્વ.રત્નસિંહજી મહિડા પુરસ્કાર દર વર્ષે આદિવાસી સમુદાયોના ઉત્કૃષ્ટ વ્યક્તિઓને એનાયત કરવામાં આવશે. જેમનું કાર્ય સ્વર્ગસ્થ રત્નસિંહજી મહિડાએ જે મૂલ્યો રજૂ કર્યા હતા તેની સાથે સુસંગત હશે. પસંદગી પ્રક્રિયાનું નિરીક્ષણ સુશ્રી વિરાજકુમારી મહિડા, રાજપીપલાના અગ્રણી શ્રી માનવેન્દ્રસિંહ ગોહિલ અને અભિનેતા-ભૂતપૂર્વ સાંસદ ડૉ.નીતિશ ભારદ્વાજ સહિતની એક પ્રતિષ્ઠિત પેનલ દ્વારા કરવામાં આવશે. આ પ્રતિષ્ઠિત સન્માન સ્થાનિક સમુદાયોના લોકો દ્વારા સમાજ પ્રત્યેના તેમના સમર્પણ અને યોગદાનની ઉજવણી કરતી અસાધારણ સિદ્ધિઓને માન્યતા આપે છે.
વર્ષ- ૧૯૫૭ થી શ્રી રત્નસિંહજી મહિડાનું શિક્ષણ દ્વારા આદિવાસી સશક્તિકરણનું વિઝન શરૂ થયું હતું. તેઓશ્રીએ રાજપીપળાના રાજવી પરિવારના સમર્થનથી શ્રી ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ અને ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળની સ્થાપના કરી હતી. આ સાથે જ તેમણે આશ્રમશાળાઓ, બાલવાડી સંસ્કાર કેન્દ્રો, કુમાર-કન્યા છાત્રાલયો, શાળાઓ અને કોલેજો સહિત કુલ ૭૨ જેટલી સંસ્થાઓની સ્થાપના કરી હતી. જેમાં વંચિત ગરીબ આદિવાસી બાળકોને વિનામૂલ્યે શિક્ષણ અને સહાય પૂરી પાડવામાં આવી હતી. તેઓની નિઃસ્વાર્થ નિરંતર સેવાથી અગાઉ મુખ્ય પ્રવાહથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા અસંખ્ય ગરીબ લોકોના જીવનમાં પરિવર્તન આણ્યું અને પ્રદેશ- વિસ્તારમાં આદિવાસી સશક્તિકરણનો મજબૂત પાયો નંખાયો હતો. જે આજે વટવૃક્ષ બન્યો છે.
રત્નસિંહજી મહિડા પુરસ્કાર અંગે વાત કરતા સુશ્રી વિરાજકુમારી મહિડાએ કહ્યું,“શિક્ષણમાં મારા દાદાનો દ્રઢ વિશ્વાસ લોકોમાં પરિવર્તન અને સામાજિક કલ્યાણના માધ્યમ તરીકે નિરંતર પ્રદર્શિત થયો હતો. તેઓ ગુજરાતના આદિવાસી સમુદાયો માટે વર્ષો પહેલાં એક આશાનું કિરણ હતા, અને આદિવાસી સમાજને મુખ્યધારામાં લાવવા ખૂબ કાળજી રાખતા હતા. ‘રત્નસિંહજી મહિડા એવોર્ડ’ની સ્થાપના કરીને, હું આશા રાખું છું કે તેમની સેવા અને સમર્પણ શ્રેષ્ઠતાની ભાવનાને મૂર્તિમંત કરનારાઓનું ઉચિત સન્માન કરીને તેમનું મિશન-વિઝન કાયમી ચાલુ રાખીશું.”
આ પુરસ્કાર આદિવાસી સમુદાયોમાં પરિવર્તન લાવનારા અસાધારણ આદિવાસી લોકોની સિદ્ધિઓની ઉજવણી થકી દાદાના સન્માનને પ્રસ્તુત કરે છે. તેનો મુખ્ય હેતુ વિવિધ ક્ષેત્રોમાં આદિવાસી સિદ્ધિઓ પર પ્રકાશ પાડવાનો, આદિવાસી સમુદાયોમાં યુવા પેઢીઓને રોલ મોડેલ તરીકે રજૂ કરીને પ્રેરણા આપવાનો અને વૈશ્વિક મંચ પર આદિવાસી સશક્તિકરણ અને કલ્યાણને પ્રોત્સાહન આપવામાં ગુજરાતની સેવાકીય સ્થિતિને વધુ મજબૂત કરવાનો છે.
રાજપીપળાના અગ્રણી શ્રી માનવેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, “રાજપીપળાનો રાજવી પરિવાર હંમેશા સામાજિક સુધારણા અને લોકોના ઉત્થાન માટે ખડેપગે-તત્પર રહ્યો છે. શ્રી રત્નસિંહજી મહિડાના અથાક પ્રયાસો મારા પૂર્વજો માટે પણ એક પ્રેરણારૂપ હતા. મને ખરેખર આજે ગર્વ છે કે, હું આ પહેલનો ભાગ બન્યો છું. જેને હું દિલથી સમર્થન આપું છું. આ પ્રયાસો થકી આપણા આદિવાસી સમુદાયોના અજ્ઞાત ભેખધારી નાયકોને ઓળખવાની ઉજળી તક મળી રહેશે તેવો મને પુરો વિશ્વાસ છે.”
રાજપીપલાની શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલયના ગ્રાઉડ ખાતે યોજાનારા આ કાર્યક્રમના આયોજન અમલવારી અંગે જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદીના અધ્યક્ષસ્થાને તા.૪/૦૪/ ૨૦૨૫ને શુક્રવારના રોજ બેઠક મળી હતી. જેમાં જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓને માન.મુખ્યમંત્રીશ્રીની નર્મદા જિલ્લાની મુલાકાત સંદર્ભે વિવિધ સમિતિઓ બનાવી કામગીરીની વહેંચણી પણ કરવામાં આવી છે.