ગાંધીનગરમાં 25 ડિસેમ્બર 2025ના રોજ સુશાસન દિવસની ઉજવણી દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યને ગ્રીન એનર્જીના વૈશ્વિક કેન્દ્ર તરીકે વિકસાવવાના દિશામાં એક ઐતિહાસિક પગલું ભરી ત્રણ મહત્વપૂર્ણ ઊર્જા પોલિસીઓનું વિમોચન કર્યું હતું. આમાં ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી-2025, ગુજરાત પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ પોલિસી-2025 અને ગુજરાત ગ્રીન હાઇડ્રોજન પોલિસી-2025નો સમાવેશ થાય છે. આ ત્રણેય પોલિસીઓનો મુખ્ય હેતુ ગુજરાતને એનર્જી હબ તરીકે સ્થાપિત કરવાનો છે, જેના થકી અંદાજે 5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ આકર્ષવા તેમજ 6 લાખથી વધુ ગ્રીન રોજગારોનું સર્જન કરવાની મહત્ત્વાકાંક્ષી યોજના છે. આ પોલિસીઓ ભારતના પંચામૃત લક્ષ્યાંકો અને ‘વિકસિત ગુજરાત 2047’ના વિઝન સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે.
મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગુજરાત પહેલેથી જ નવીનીકરણીય ઊર્જાના ક્ષેત્રે દેશભરમાં અગ્રણી રાજ્ય છે અને આ નવી પોલિસીઓ રાજ્યને વધુ મજબૂત બનાવશે. જળવાયુ પરિવર્તન સામે લડત, ઊર્જા ગ્રીડની સ્થિરતા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાનો આ પહેલનો મુખ્ય હેતુ છે. ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી-2025 અંતર્ગત 2030 સુધીમાં 100 ગીગાવોટથી વધુ રિન્યુએબલ એનર્જી ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. હાલ રાજ્યમાં અંદાજે 41 ગીગાવોટ ક્ષમતા ઉપલબ્ધ છે, જેમાં 25 ગીગાવોટ સૌર અને 15 ગીગાવોટ પવન ઊર્જાનો સમાવેશ થાય છે. આ પોલિસી હેઠળ સૌર-પવન હાઇબ્રિડ પ્રોજેક્ટ્સ, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ (BESS), પવન ઊર્જાના રિપાવરિંગ તેમજ એગ્રીવોલ્ટેઇક્સ, ઓશન એનર્જી અને જીઓથર્મલ જેવી નવી ટેક્નોલોજીઓને પ્રોત્સાહન આપવામાં આવશે. રોકાણકારોને આકર્ષવા માટે સરળ મંજૂરી પ્રક્રિયા, રિન્યુએબલ એનર્જી સેતુ પોર્ટલ, ટ્રાન્સમિશન ચાર્જમાં છૂટ અને કેપિટલ સબસિડી જેવા આકર્ષક પ્રોત્સાહનો આપવામાં આવ્યા છે.
ગુજરાત પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ પોલિસી-2025 ઊર્જા સંગ્રહ ક્ષમતાને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ પોલિસી મુજબ 2035 સુધીમાં 75 ગીગાવોટ અવર (GWh) સ્ટોરેજ ક્ષમતા અને 2047 સુધીમાં 100 પમ્પ્ડ સ્ટોરેજ યુનિટ્સ વિકસાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ્સથી ગ્રીડની વિશ્વસનીયતા અને સ્થિરતા વધશે તેમજ અંદાજે 75 હજાર કરોડ રૂપિયાનું રોકાણ રાજ્યમાં આવશે.
તે જ રીતે ગુજરાત ગ્રીન હાઇડ્રોજન પોલિસી-2025 રાજ્યને ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનના મુખ્ય કેન્દ્ર તરીકે વિકસાવવાની દિશામાં મહત્વપૂર્ણ છે. આ પોલિસી હેઠળ 2035 સુધીમાં વાર્ષિક 3 મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનનો લક્ષ્યાંક છે, જેના કારણે 2 મિલિયન ટન નેચરલ ગેસનો ઉપયોગ ઘટશે અને આશરે 5 મિલિયન ટન CO₂ ઉત્સર્જનમાં ઘટાડો થશે. આ ક્ષેત્રમાં પણ મોટા પ્રમાણમાં રોકાણ અને રોજગારીની તકો ઊભી થવાની સંભાવના છે.
ત્રણેય પોલિસીઓમાં ઇનપુટ ઊર્જા પર વીજળી ડ્યુટીમાં છૂટ, 20 ટકા સુધી કેપિટલ સબસિડી, વ્હીલિંગ અને ટ્રાન્સમિશન ચાર્જમાં 50 ટકા સુધી રિઇમ્બર્સમેન્ટ તથા જમીન ફાળવણીમાં સરળતા જેવા સામાન્ય પ્રોત્સાહનો આપવામાં આવ્યા છે. આ પોલિસીઓ આગામી 10 વર્ષ માટે અમલમાં રહેશે, જ્યારે તેના લાભ આગામી 40 વર્ષ સુધી રાજ્યને મળશે. આ ઐતિહાસિક પહેલથી ગુજરાત નવીનીકરણીય ઊર્જાના ક્ષેત્રે વૈશ્વિક નેતૃત્વ પ્રાપ્ત કરશે અને ભારતના સ્વચ્છ ઊર્જા લક્ષ્યાંકોને નવી ગતિ મળશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel