આણંદ ખાતે ગુરુવારે આણંદ શહેરના ગામડી વિસ્તારમાં પાધરીયા પ્રેસ રોડ પર આવેલી આણંદ રેલ્વે પોલીસ લાઇન ખાતે નિર્માણ પામેલ બી કક્ષાના ૪૦ પોલીસ આવાસોનું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રીએ તકતીનું અનાવરણ કરી આવાસોનું લોકાર્પણ કર્યું હતુ. તેમણે કર્મચારીઓને ફાળવવામાં આવેલ આવાસો પૈકી ૧૦ કર્મચારીઓને પ્રતિકરૂપે મંચ પરથી મકાનની ચાવી અર્પણ કરી હતી.
આ લોકાર્પણ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, ગુજરાત રેલ્વેના નાયબ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ, પશ્ચિમ રેલ્વે, વડોદરાના પોલીસ અધિક્ષક સરોજ કુમારી, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવીણ કુમાર,ધારાસભ્યો યોગેશભાઈ પટેલ,વિપુલભાઈ પટેલ,ગોવિંદભાઈ પરમાર, અગ્રણી રાજેશભાઇ પટેલ, રેલ્વે પોલીસ-ગુજરાત પોલીસના અધિકારી-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
નોંધનીય છે કે, ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા આણંદ રેલ્વે પોલીસ સ્ટેશનના કર્મચારીઓ માટે અંદાજિત રૂપિયા ૬.૦૭ કરોડના ખર્ચે બી કક્ષાના ૪૦ પોલીસ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ આવાસના મકાનમાં ૨ રૂમ, હોલ,કિચન, ફર્નિચર ઉપરાંત બિલ્ડિંગમાં લિફ્ટ, ફાયર સેફ્ટી, પાર્કિંગ, જનરેટર, બાળકો માટે રમત ગમતના સાધનો, બગીચો, ગેસ કનેક્શન જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે.