ગોધરાકાંડ પછી રાજ્યભરમાં ફાટી નિકળેલા રમખાણો દરમિયાન પંચમહાલના ડેલોલ, ડેરોલ અને કાલોલના તોફાનોમાં ચારની હત્યાના કેસમાં દીર્ઘ ટ્રાયલ બાદ તમામ હયાત 35 આરોપીઓને નિર્દોષ જાહેર કરતાં સેશન્સ કોર્ટે એવું અવલોકન કર્યું હતું કે, સુડો-સેક્યુલર મીડિયા અને તેવા જ સંગઠનોએ તે સમયે મચાવેલી બુમરાણના પરિણામે આ વિસ્તારના ખ્યાતનામ હિન્દુઓએ આ ટ્રાયલનો ભોગ બનવું પડયું છે.
પંચમહાલના સેશન્સ જજ હર્ષ બાલકૃષ્ણ ત્રિવેદીએ પોતાના 36 પાનાના ચુકાદામાં પીડિત-સાક્ષીઓના પોલીસ અને કોર્ટ સમક્ષના નિવેદનોમાં પણ વિરોધાભાસને ધ્યાને લઈ આરોપીઓ સામેનો ગુનો પુરવાર થઈ શક્યો ન હોવાનું ઠેરવ્યું હતું. આ કેસમાં પ્રાથમિક તબક્કે કુલ બાવન આરોપીઓ સામે આઈપીસી અને બોમ્બે પોલીસ એક્ટની વિવિધ જોગવાઈઓ અન્વયે ચાર્જશીટ દાખલ થયેલું. 20 વર્ષ સુધી ચાલેલી ટ્રાયલ દરમિયાન 17 આરોપીઓના કુદરતી મૃત્યુ થયા હતા. કોર્ટે નોંધ્યું હતું કે, આ પરિબળોના દબાણના કારણે પોલીસે તબીબો, પ્રોફેસર્સ, શિક્ષકો, વેપારીઓ અને પંચાયતના સદસ્યોને આરોપીઓ બનાવ્યા હતા. કોર્ટે તો એટલે સુધી નોંધ્યું કે, ખુદ પ્રોસિક્યુશન પણ એક ખાસ કોમના નેતૃત્ત્વવાળા એનજીઓથી એટલા ડરેલા હતા કે, તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. આથી જ પ્રોસિક્યુશને મોટી સંખ્યામાં સાક્ષીઓને તપાસી બિનજરૂરી મુસ્લિમ સમુદાય દ્વારા સતત જુદા જુદા આક્ષેપો સાથેના નિવેદનો કોર્ટમાં દાખલ કરવામાં આવતા આ કેસની ટ્રાયલ બિનજરૂરી લાંબી ચાલી હતી. મુસ્લિમ પીડિત-સાક્ષીઓની પણ પરોક્ષપણે ટીકા કરતાં કોર્ટે કહ્યું કે, જે મુસ્લિમો રમખાણોનો ભોગ બનેલા હોવાનો આક્ષેપ થયો હતો તેમના દ્વારા તોફાનો સંબંધી અત્યંત વિરોધાભાસી નિવેદનો આપવામાં આવ્યા હતા જેના કારણે મૂળ ફરિયાદમાં તોફાની તત્ત્વો ક્યાં ક્યાં હતા તેનો ઉલ્લેખ હતો તે પુરવાર કરવામાં પ્રોસિક્યુશન નિષ્ફળ નિવડયું હતું.