રાજકોટમાં 2534 એકરમાં રાજ્યનું સૌથી મોટું અને સૌરાષ્ટ્રનું ‘હિર’ ગણાતું હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ફેઝ-1નું કામ પૂર્ણ થઇ ગયું છે. એરપોર્ટ એરબસ A320 એરબસ A321 પ્રકારના એરક્રાફ્ટને હેન્ડલ કરવામાં સક્ષમ અને રૂ. 1405 કરોડના ખર્ચે તૈયાર એરપોર્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે. દેશમાં બહુ ઓછા એરપોર્ટ 2000 એકરથી વધુ જગ્યામાં છે એમાં રાજકોટના હિરાસર એરપોર્ટ પણ છે. રાજ્યમાં સૌથી મોટો 3040 મીટરનો રન-વે અને આ રન-વેની નીચે એશિયાની સૌથી મોટી 700 મીટર લાંબી વોટર ટનલ છે. નવા એરપોર્ટ પર એકસાથે 14 એરક્રાફ્ટ પાર્ક થઇ શકે ..
નદી ઉપર રનવે બનાવવાની તૈયારી 4 ફેઝનું પણ પ્લાનિંગ કરાયું છે
ઈન્ટરનેશનલ એરપોર્ટનો રનવે બનીને તૈયાર છે અને તેના અંત પર પાણીનો કુદરતી પ્રવાહ છે અને એક નદી અને ડેમ છે. જો આ નદીને બૂરી દેવાય તો પાણી ભરાવાની સમસ્યા થઈ શકે છે. તેથી એરપોર્ટના પ્લાનમાં નદી પર બોક્સ કલ્વર્ટ બનાવાઈ રહ્યુ છે અને તેની પર રનવે છે ત્યાંથી ફ્લાઈટ ટેક ઓફ કરશે. આ કારણે કુદરતી પ્રવાહને પણ અસર નહિ થાય અને રનવે પણ પૂરા અંતરનો બનાવી શકાશે. જેમ જેમ જરૂરિયાત વધશે તેમ એરપોર્ટનું વિસ્તરણ કરાશે અને આ વિસ્તરણ માટે કુલ 4 ફેઝ વિચારાયા છે.
અને રોજ 50થી વધુ એરક્રાફ્ટ ઉડાન ભરી શકે તેવી વ્યવસ્થા છે. પેસેન્જર ટ્રાફિક દર વર્ષે સરેરાશ 7.44% વધવાનો અંદાજ છે, જે 2022માં 9.1 લાખ મુસાફરોથી 2057 સુધીમાં 1.29 કરોડ થવાનો અંદાજ છે. રાજકોટથી 30 કિ.મી દૂર એરપોર્ટમાં યાત્રિકોને સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડી સંસ્કૃતિનો પરિચય થશે. ટર્મિનલ બિલ્ડીંગ સહિતની જગ્યાઓની ડીઝાઈનમાં રણજીત વિલાસ પેલેસ, આલ્ફેડ હાઈસ્કુલ, રાજકુમાર કોલેજ, ખીરસરા પેલેસ ઝળકે છે, જયારે આંતરિક ડીઝાઈનમાં દાંડિયા નૃત્યની કલા પ્રસ્થાપિત કરવામાં આવી છે.
ક્યો ફેઝ ક્યારે પૂરો થશે
ફેઝ વર્ષ
ફેઝ-1 2030
ફેઝ-2 2040
ફેઝ-3 2050
ફેઝ-4 2057
રન-વે પર પેરેલલ ટેક્સી વે બનાવાયો, આ રીતે ફ્લાઈટ ટેક ઑફ અને લેન્ડ કરશે
રન વે પર જ થોડા થોડા અંતરે ટ્રેક બનાવાયા છે જ્યાં ફ્લાઈટ ઊભી રહેશે. જેવી કોઇ ફ્લાઈટ લેન્ડ થશે એટલે તુરંત જ તે રન વેથી જોડેલા ટ્રેક પર જઈ પાર્ક થઈ જશે. આ કારણે વધીને 2 મિનિટમાં રન વે ખાલી થઈ જશે અને બીજી ફ્લાઈટ ટેક ઓફ માટે તૈયાર થઈ જશે. એક જ કલાકમાં 12થી 14 ફ્લાઈટ ઓપરેટ થઈ શકશે.
હજારો લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી મળશે
રાજકોટમાં નવું એરપોર્ટ બનવાની સાથે યાત્રિકને સારી હવાઈ સુવિધાની સાથે સાથે હજારો લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી પણ મળશે. પબ્લિક ટ્રાન્સપોર્ટ, લગેજ લોડર, ખાણીપીણી, હોટેલ-રેસ્ટોરેન્ટ, પ્રવાસન ઉદ્યોગને પણ મોટો ફાયદો થશે. એકંદરે નવું એરપોર્ટ બનવાથી હજારો લોકોને રોજગારીનું સર્જન થશે. હાલ પ્રાથમિક તબક્કાનું બધું કામ પૂર્ણ થઇ ગયું છે આગમી દિવસોમાં જરૂર પડ્યે બીજા ફેઝનું કામ કરાશે.