મંદિરથી થોડે દૂર એક ચોકમાં એક મોટો ભગવો ધ્વજ લહેરાયો છે. તે ન તો નેપાળ સરકારનો છે કે ન તો કોઈ પક્ષનો. આ ધ્વજ જનકપુરમાં હિન્દુત્વના શાસનનું પ્રતિક છે. તેને જનકપુરના પૂર્વ મેયર દ્વારા હિન્દુ સંગઠનોના સહયોગથી લગાવવામાં આવ્યો હતો.
નેપાળના સેન્ટ્રલ બ્યુરો ઑફ ડેમોગ્રાફીએ હાલ જૂનમાં 2021ની વસતિ ગણતરીનો અહેવાલ પ્રકાશિત કર્યો છે. આ મુજબ નેપાળમાં છેલ્લા એક દાયકામાં હિન્દુઓ અને બૌદ્ધોની વસતિમાં ઘટાડો થયો છે, જ્યારે મુસ્લિમ અને ખ્રિસ્તી વધ્યાં છે. આ જ કારણ છે કે હિન્દુવાદી સંગઠનોએ લોકોમાં હિન્દુત્વની ભાવના જગાડવા માટે તેમની પ્રવૃત્તિઓ વધારી દીધી છે. આમાં RSS દ્વારા બનેલો HSS એટલે કે હિન્દુ સ્વયંસેવક સંઘ સૌથી આગળ છે.
નેપાળમાં 80%થી વધુ વસતિ હિન્દુ
PM મોદી જનકપુર ગયા, તો સરકારી ખર્ચે ઘરોને ભગવા રંગથી રંગવામાં આવ્યા
નેપાળમાં 80%થી વધુ વસતિ હિન્દુ છે. HSSનું મુખ્ય કેન્દ્ર જનકપુરમાં છે. શહેરની ધાર્મિક ઓળખ ઉપરાંત, તે નેપાળના સૌથી મોટા પર્યટન સ્થળમાં પણ સામેલ છે. અમે HSSના મૂળ શોધતા શોધતા જનકપુર પહોંચ્યા. જાનકી મંદિરથી શરૂઆત કરી. જનકપુરમાં એક વાત સૌથી સામાન્ય જોવા મળી, અહીં લગભગ દરેક ત્રીજી કે ચોથી ઇમારતને ભગવા રંગથી રંગવામાં આવી છે.
ઘરો-દીવાલોનો રંગ કેસરી કેવી રીતે થયો, આનો જવાબ જનકપુરના મેયર લાલ કિશોર શાહે આપ્યો. જનતા સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલા સાહ કહે છે, ‘ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મે 2018માં નેપાળ આવ્યા હતા. તેમને જનકપુર પણ આવવાનું હતું. તેમના આગમન પહેલાં મેં એક યોજના ચલાવી કે જે પણ પોતાના ઘરના આગળના ભાગને કેસરી રંગથી રંગવા માગે છે, તેનો ખર્ચ ઉપ-નગરપાલિકા ઉઠાવશે. તેને સારો પ્રતિસાદ મળ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેની પ્રશંસા કરી હતી.
લાલ કિશોર સાહ કહે છે, ‘કેટલાક લોકોએ આ યોજના પર વિવાદ કર્યો, પરંતુ તે એક સારો પ્રયાસ હતો. મોટાભાગના લોકોને તેની સાથે કોઈ સમસ્યા નહોતી.
ભગવા કુર્તામાં સજ્જ લાલ કિશર સાહ અમને વોર્ડ નંબર 4ના એક વિસ્તારમાં લઈ ગયા. અહીં ઘરો ભગવા રંગના છે, રામાયણનો પ્રસંગ જણાવતી મધુબની પેઇન્ટિંગ્સ પણ દીવાલો પર બનાવવામાં આવી છે.
આ દરમિયાન સાહે કહ્યું કે મેં જનકપુરને જનકપુર ધામ નામ આપ્યું છે. અમે પૂછ્યું કે તમે આખા જનકપુરના મેયર છો, તો પછી તમે મહોલ્લાઓને ભગવા રંગથી રંગવાનું કેમ નક્કી કર્યું? લાલ કિશોર સાહ કહે છે, ‘જનકપુર એક ઐતિહાસિક અને ધાર્મિક શહેર છે. તેની સંવેદનશીલતા જાળવવા માટે, રામાયણ કાળની ભાવના લાવવા માટે મોહલ્લાઓને કેસરી રંગ રંગવામાં આવ્યો.’
લાલ કિશોર સાહની વાતથી સ્પષ્ટ થઈ ગયું છે કે જનકપુરમાં હિન્દુ સંગઠનોનો સારો પ્રભાવ છે. જેમાં ખાસ કરીને વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સ્વયંસેવક સંઘ સામેલ છે.
હવે સવાલ એ હતો કે નેપાળમાં હિન્દુ સ્વયંસેવક સંઘ કેવી રીતે કાર્ય કરે છે અને બિનસાંપ્રદાયિક દેશમાં હિન્દુ સંગઠનોના વધતા પ્રભાવ વિશે સામાન્ય લોકો શું માને છે?
આ સવાલોના જવાબ જાણવા અમે જનકપુર ચોકમાં પહોંચ્યા. અહીં અમારી મુલાકાત અભય આશિષ સાથે છે. તેઓ કહે છે, ‘એ વાત સાચી છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનકપુર આવ્યા ત્યારથી અહીં શ્રદ્ધાળુઓની સંખ્યા વધી છે. મોદી બાદ યુપીના CM યોગી પણ અહીં રામની જાન લઈને આવી ચૂક્યા છે.
આ જ ચોકમાં ભગવો કુર્તો પહેરેલા રામ ભરત મંડળ મળ્યા. અમે તેમને પૂછ્યું કે અહીં હિન્દુ સ્વયંસેવક સંઘનો કેટલો પ્રભાવ છે. તેમણે કહ્યું, ‘તમે જનકપુરમાં છો. જનકપુર મિથિલા રાજ્ય હતું. અહીં 90% લોકો હિન્દુ છે, તેથી હિંદુ સંગઠનોનો પ્રભાવ પણ છે.’
નેપાળ 2008 સુધી હિન્દુ રાષ્ટ્ર હતું, હવે ફરીથી બનાવવાની માગ
નેપાળ 2008 સુધી રાજાશાહી દરમિયાન હિન્દુ રાષ્ટ્ર હતું. રાજાશાહી વિરૂદ્ધ આંદોલન પછી તેને બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યું. જનકપુરની મુલાકાત વખતે મને સમજાયું કે લોકો અને પક્ષો નેપાળને ફરી હિન્દુ રાષ્ટ્ર બનાવવાની તરફદારી કરી રહ્યા છે.
રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીએ છેલ્લી ચૂંટણી હિન્દુ રાષ્ટ્રના મુદ્દા પર લડી હતી અને 13 બેઠકો જીતીને સંસદમાં 5મો સૌથી મોટો પક્ષ બન્યો હતો. સૌથી મોટી પાર્ટી નેપાળી કોંગ્રેસ પણ હિન્દુ રાષ્ટ્રનો મુદ્દો ઉઠાવી રહી છે. તેના સાંસદ ડૉ.શશાંક કોઈરાલાએ દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે લોકમતની માગણી કરી છે.
જનકપુર ચોકમાં મળેલા કારી યાદવ પણ આ વાતને સમર્થન આપે છે. તેઓ કહે છે, ‘નેપાળ દેવી-દેવતાઓનો દેશ છે. અહીં માતા સીતાનું જન્મસ્થળ છે. વિદેશી પ્રભાવ હેઠળ દેશને બિનસાંપ્રદાયિક જાહેર કરવામાં આવ્યો. સામાન્ય લોકોની ઈચ્છાને કારણે આવું થયું નથી.’
કારી યાદવ કહે છે, ‘બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર જાહેર થયા પછી અહીં અશાંતિ ફેલાઈ છે. પહેલા બધા સાથે રહેતા હતા, હવે એવું નથી. ખાસ કરીને ખ્રિસ્તી મિશનરીઓ વધુ મુશ્કેલી ઉભી કરી રહ્યા છે. મોટાભાગના લોકો દેશને ફરી હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે જ હિન્દુવાદી સંગઠનોને સમર્થન આપી રહ્યા છે. હિન્દુ સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદના લોકો લોકોમાં જાગૃતિ લાવવાનું કામ કરી રહ્યા છે.’
VHP નેતાએ કહ્યું- મુસ્લિમો-ખ્રિસ્તીઓની વસતિમાં વધારો ખતરાની ઘંટડી
આ પછી અમે જાનકી મંદિર પરત ફર્યા. અહીં વિશ્વ હિન્દુ પરિષદ એટલે કે VHPના જિલ્લા પ્રભારી સંતોષ સાહ મળ્યા. તેમની સાથે યુવા દળના વડા પણ હતા. યુવા દળ ભારતના બજરંગ દળના મોડલ પર આધારિત છે. સંતોષ સાહ જનકપુરના મોટા બિઝનેસમેન છે. આમ છતાં તેઓ વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા છે.
સંતોષ સાહ જણાવે છે, ‘આ વિશ્વ હિન્દુ પરિષદ નેપાળના હિન્દુ સ્વયંસેવક સંઘનું એક એકમ છે. અમે નેપાળના કાયદાનું પાલન કરીએ છીએ. જે રીતે વિશ્વ હિન્દુ પરિષદ ભારતમાં વિવિધ મુદ્દાઓ પર સક્રિય છે, તે જ રીતે અમે પણ સક્રિય છીએ. પહાડી વિસ્તારોમાં અમારી પ્રવૃત્તિ ઓછી છે, પરંતુ તરાઈ વિસ્તારના દરેક ગામમાં અમારા કાર્યકરો છે.’
સંતોષ સાહ કહે છે, ‘નેપાળમાં ધર્માંતરણ ગેરકાયદેસર છે, તેમ છતાં તે સૌથી મોટો મુદ્દો છે. પહાડી વિસ્તારોમાં ખ્રિસ્તી મિશનરીઓ લોકોને ધર્મ પરિવર્તન માટે પ્રેરિત કરે છે. તરાઈ વિસ્તારના ગામડાઓમાં આવા કિસ્સા વધુ છે. જો કે તેઓ શહેરમાં સફળ નથી.’
નેપાળના મેદાનોને તરાઈ વિસ્તાર કહેવામાં આવે છે. તેનો મોટાભાગનો ભાગ ભારતને અડીને આવેલો છે. આમાં કુલ 22 જિલ્લા છે. આ જિલ્લાઓમાં 1 કરોડથી વધુ લોકો રહે છે.
ચર્ચ અને મદરેસાઓ બનાવવા માટે સરકાર મદદ કરી રહી છે
કાયદા હોવા છતાં નેપાળમાં ધર્માંતરણ કેમ થઈ રહ્યું છે? આ અંગે સંતોષ સાહ કહે છે, ‘જ્યારથી દેશને ધર્મનિરપેક્ષ જાહેર કરવામાં આવ્યો છે, ત્યારથી સરકારે મદરેસા અને ચર્ચ બનાવવા માટે ગ્રાન્ટ આપવાનું શરૂ કર્યું છે. આવી સ્થિતિમાં તેમનો ઉત્સાહ વધ્યો છે. ધર્મ પરિવર્તનની ઘટના બને ત્યારે અમે જઈએ છીએ. લોકોને સમજાવીને તેમની ઘરવાપસી કરાવીએ છે.’
તરાઈ વિસ્તારમાં લવ જેહાદના કિસ્સા વધી રહ્યા છે
સંતોષ સાહ કહે છે, ‘તરાઈ વિસ્તારમાં લવ જેહાદના વધુ કેસ છે. માત્ર જનકપુરની જ વાત કરીએ તો એક વર્ષમાં 200થી વધુ કેસ સામે આવ્યા છે. તેનો સામનો કેવી રીતે કરવો? આ સવાલ પર સંતોષ કહે છે, ‘આ બાબતોમાં અમે કાયદાનો સહારો લઈએ છીએ. અધિકારીઓને ફરિયાદ કરીએ છે. ભારતની જેમ અહીં અમારા કાર્યકરો કાયદો હાથમાં લેતા નથી. જો મામલો પકડાય તો અધિકારીઓ પણ સહકાર આપે છે.’
જનકપુરમાં માર્ચમાં પ્રથમ વખત સાંપ્રદાયિક તણાવ જોવા મળ્યા
માર્ચ 2023માં હિન્દુ સંગઠનોએ રામ નવમી પર જનકપુરમાં શોભાયાત્રા કાઢી હતી. જાનકી મંદિરની પાછળ બનેલી મસ્જિદ પાસે યાત્રાને રોકવામાં આવી. સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા, જેના કારણે કોમી તણાવ થયો હતો. જો કે, વહીવટીતંત્રે પરિસ્થિતિ સંભાળી લીધી. જનકપુરમાં બે સમુદાયો વચ્ચે તણાવનો આ પહેલો કિસ્સો હતો.
આ ઘટના પર સંતોષ સાહ કહે છે, ‘મુસ્લિમો અને ખ્રિસ્તીઓને સરકાર તરફથી વધુ સુરક્ષા મળે છે. અમે જાનકી મંદિરની પરિક્રમા કરી શકતા નથી કારણ કે રામ નવમીના તણાવને પગલે તેનો રસ્તો અમારા માટે બંધ કરી દેવામાં આવ્યો છે. અમે આગળ જઈને જાનકી મંદિરની પરિક્રમા પૂર્ણ કરીએ છીએ.’
યુવાનોને ધર્મ-સંસ્કૃતિના પાઠ ભણાવે છે યુવા દળ
સંતોષ સાહની સાથે હાજર મોહન કુમાર સાહ યુવા દળના જનકપુર પ્રમુખ છે. તેઓ કહે છે, ‘અમારો પક્ષ ચોક્કસપણે ભારતની તર્જ પર રચાયો છે, પરંતુ અમે ભારતની રીત પ્રમાણે કામ કરતા નથી. પહેલા અહીં સંસ્કૃત ભણાવવામાં આવતી હતી, હવે તે પણ બંધ છે. અમને ઋષિ-મુનિઓ વિશે કહેવામાં આવતું નથી. એટલા માટે અમે આખા નેપાળમાં કામ કરી રહ્યા છીએ, પરંતુ કાયદાના દાયરામાં રહીને. જો કે ધર્માંતરણ અને લવ જેહાદના મામલામાં અમને કાયદાનું સમર્થન નથી મળી રહ્યું.’
મુસ્લિમ બોલ્યા- હિન્દુ સંગઠનોનો પ્રભાવ વધુ, પરંતુ આનાથી કોઈ સમસ્યા નથી
જનકપુરના મુસ્લિમો હિન્દુ સંગઠનો વિશે શું વિચારે છે તે જાણવા અમે જનકપુરની રહેવાસી શબનમ ખાતૂન સાથે વાત કરી. તેણી કહે છે, ‘જ્યારથી હિંદુ સંગઠનો સક્રિય થયા છે ત્યારથી હિન્દુ-મુસ્લિમો વચ્ચે અંતર વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે, કારણ કે જો હિન્દુ સંગઠનો નેપાળમાં ટકી રહેવા ઈચ્છે છે તો તેમણે અમને નિશાન બનાવવું પડશે. તેઓ કરે પણ છે. નાની નાની બાબતો પર મુસ્લિમોને હેરાન કરવાના અહેવાલો આવતા રહે છે.’
જનકપુરના જાનીખાન મધેસી પણ કહે છે, ‘અમને હિન્દુ સંગઠનોથી કોઈ વાંધો નથી, પણ દરેક વખતે અમે જ નિશાન કેમ બનીએ. જનકપુરમાં આમપણ હિન્દુ સંસ્કૃતિનું વર્ચસ્વ છે.
બીજી તરફ સ્થાનિક પત્રકાર હદીસનું માનવું છે કે જનકપુરમાં હિન્દુ સંગઠનોનો પ્રભાવ વધ્યો છે. તેઓ કહે છે, ‘માર્ચમાં જ સાંપ્રદાયિક તણાવની ઘટના બની હતી. જો કે વહીવટીતંત્રની સક્રિયતાને કારણે મામલો આગળ વધી શક્યો નહોતો.’
હદીસ એવું નથી માનતા કે સમગ્ર નેપાળમાં હિન્દુ સ્વયંસેવક સંઘનો પ્રભાવ છે. તેની ખરાઈ કરવા અમે નેપાળની રાજધાની કાઠમંડુ પહોંચ્યા. કાઠમંડુ શહેરથી લગભગ દસ કિમીના અંતરે ટેકરી પર કીર્તિપુર છે. અહીં અમારી મુલાકાત પ્રાજ્ઞિક વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય સંગઠન સચિવ નરેન્દ્ર પ્રસાદ ઢાકાલ સાથે થઈ. તેમની ઓફિસ બિલ્ડિંગના બીજા માળે છે.
અમે તેમને પૂછ્યું કે શું તમે RSS સાથે જોડાયેલા છો?
તેમણે ફટથી જવાબ આપ્યો, ‘નેપાળનો હિન્દુ સ્વયંસેવક સંઘ અલગ છે. અમારી પાસે કોઈ રાજકીય સંગઠન નથી, પરંતુ અમારી વિચારધારા હિન્દુત્વના વિચારને દરેક જગ્યાએ ફેલાવવાની છે. આ વિચારધારા તમામ લોકોમાં આવવી જોઈએ, પછી ભલે તેઓ કોઈપણ પક્ષના હોય.’
નરેન્દ્ર પ્રસાદ ઢાકાલ સવાલ પૂછવાના અંદાજમાં કહે છે, ‘તમે જાણો છો કે ભારત-નેપાળ વચ્ચે રોટી બેટીનો સંબંધ યુગોથી ચાલતો આવ્યો છે. 90ના દાયકામાં નેપાળમાં જનઆંદોલન ચાલતું હતું, તેથી અહીંના બાળકો સારા અભ્યાસ માટે ભારત જતા હતા. ત્યાં કેટલાક બાળકો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી પ્રભાવિત થઈને પરત ફર્યા. તેમણે જ 1992માં નેપાળમાં હિન્દુ સ્વયંસેવક સંગઠનની સ્થાપના કરી. ત્યારથી આ સંસ્થા કાર્યરત છે.’
‘અમારું સૂત્ર છે નેપાળ આમા કી જય. HSS ચોક્કસપણે ભારતના RSSથી પ્રેરિત છે, પરંતુ અમે તેમને રિપોર્ટ કરતા નથી. હિન્દુ સ્વયંસેવક સંઘ સ્વતંત્ર છે. અમે એકબીજાની જગ્યાએ આવીએ છીએ અને જઈએ છીએ. રામના સમયથી આ ચાલતું આવ્યું છે.’
અમે નરેન્દ્ર પ્રસાદ ઢાકાલને પૂછ્યું કે શું તમે HSSના સ્થાપક હેડગેવાર કે ગુરુ ગોલવલકરને આદર્શ માનો છો? તેમણે જવાબ આપ્યો, ‘અમારા આદર્શ પુરુષ નેપાળના મહાપુરુષ અને વ્યક્તિત્વ છે. તેમના પછી હિંદુત્વ માટે સારું કામ કરનારા અમારા આદર્શ છે. આમાં ગોલવલકર, હેડગેવાર, છત્રપતિ શિવાજી પણ આવે છે.’
નેપાળમાં ગરીબીનો ફાયદો ઉઠાવીને ધર્માંતરણ થઈ રહ્યું છે
નરેન્દ્ર પ્રસાદ ઢાકાલ કહે છે કે ‘નેપાળ પહેલા હિન્દુ રાષ્ટ્ર હતું, તેથી હિન્દુ સમાજ સુરક્ષિત અનુભવતો હતો. તેમને અન્ય ધર્મમાં કોઈ સમસ્યા જણાતી નહોતી. આ સાદગીનો લાભ લઈને પશ્ચિમી લોકોએ લોકોનું ધર્માંતરણ કરવાનું શરૂ કર્યું. નેપાળ-ભારત સરહદ ખુલ્લી હતી. તેથી જ હિન્દુઓની સાથે અન્ય ધર્મના લોકો પણ સરહદની આ બાજુથી આવતા હતા.’
‘અમે લોકો તો વ્યૂહાત્મક રીતે વિચારતા નહોતા, વસુધૈવ કુટુમ્બકમમાં માનતા હતા. તે લોકોએ એવું ન વિચાર્યું. તેમણે ધીમે ધીમે નેપાળમાં હિન્દુઓનું ધર્માંતરણ કરવાનું શરૂ કર્યું. આ માટે લાલચ આપવામાં આવી. અહીંના દલિતો અને આદિવાસી સમાજને ગેરમાર્ગે દોર્યા.’
‘અગાઉ હિન્દુ રાષ્ટ્ર હોવાને કારણે આ બધું પડકારજનક નહોતું. એક બિનસાંપ્રદાયિક દેશ હોવાને કારણે તેમને લાગ્યું કે તેમને ધર્મ પરિવર્તનનો અધિકાર મળવો જોઈએ. હવે તેઓ શરિયા કાયદાની માગ કરી રહ્યા છે. મદરેસાઓને આર્થિક સહાય આપવામાં આવી રહી છે. ખ્રિસ્તીઓ પણ આ જ માગ કરી રહ્યા છે. પહેલા તેઓ ગુપ્ત રીતે કામ કરતા હતા, હવે ખુલ્લેઆમ કરી રહ્યા છે.’
વિદેશી તાકાતના દબાણમાં દેશ બિનસાંપ્રદાયિક બન્યો…
નરેન્દ્ર ઢાકાલ કહે છે કે, ‘નેપાળને પશ્ચિમી દેશોના દબાણમાં બિનસાંપ્રદાયિક જાહેર કરવામાં આવ્યો. તે વિશ્વભરના હિન્દુઓ માટે આસ્થાનું કેન્દ્ર હતું, જેમ કે મુસ્લિમો માટે મક્કા અને મદીના અને ખ્રિસ્તીઓ માટે વેટિકન સિટી છે. હવે અહીંના નેતાઓને અહેસાસ થઈ રહ્યો છે કે તેમણે ખોટું કર્યું છે. જો દેશ હિન્દુ રાષ્ટ્ર હોત તો અમે પણ સમૃદ્ધ હોત. હવે અમે જનજાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છીએ. ટૂંક સમયમાં આમાં સફળતા મળશે.’