ભારતમાં હવે ટૂંક જ સમયમાં હાઇડ્રોજન ટ્રેન (Hydrogen Train) દોડવા જઇ રહી છે. જેની માટે જર્મનીની TUV-SUD કંપની ટ્રેનની સલામતીને લઈને સેફ્ટી ઓડિટ કરવા જઈ રહી છે. આ બાબતે જાણકાર લોકોનું કહેવું છે કે ટ્રેનનો ટ્રાયલ રન ડિસેમ્બર 2024માં જ શરૂ થઈ શકે છે. આ સાથે ભારત જર્મની, ફ્રાન્સ, સ્વીડન અને ચીનની સાથે આ યાદીમાં સામેલ થશે. આ દેશોમાં પહેલાથી જ હાઈડ્રોજન ટ્રેનો ચલાવવામાં આવી રહી છે.
હાઈડ્રોજનથી ટ્રેનો ટૂંક સમયમાં ભારતમાં દોડશે
આ સિવાય હાઈડ્રોજન ફ્યુઅલ સેલ આધારિત ટાવર કાર પણ બનાવવામાં આવશે. તેના એક યુનિટ માટેનો ખર્ચ રૂપિયા 10 કરોડથી વધુ થશે. મીડિયા અહેવાલ મુજબ રેલવે શરૂઆતમાં 35 ટ્રેનોનું સંચાલન કરશે. એક ટ્રેનનો ખર્ચ 80 કરોડ રૂપિયા થશે. તેના ગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટે પણ 70 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. એક અધિકારીએ જણાવ્યું કે સિસ્ટમ ઈન્ટિગ્રેટેડ યુનિટ બેટરી અને બે ઈંધણ એકમોનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે.
આ ટ્રેન પહેલા જીંદ-સોનીપત સેક્શન પર દોડાવવામાં આવી શકે છે. હરિયાણામાં ટ્રેનો માટે હાઇડ્રોજન 1 મેગાવોટ પોલિમર ઇલેક્ટ્રોલાઇટ મેમ્બ્રેન ઇલેક્ટ્રોલાઇઝરથી પ્રદાન કરવામાં આવશે જે જીંદમાં સ્થિત હશે. અહીં દરરોજ લગભગ 430 કિલો હાઇડ્રોજનનું ઉત્પાદન થશે. 3000 કિલો હાઇડ્રોજન સ્ટોરેજની ક્ષમતા પણ હશે.
વિશેષતા શું છે ?
હાઇડ્રોજન ટ્રેન હાઇડ્રોજન ઇંધણ પર ચાલે છે. આમાં એન્જિનની જગ્યાએ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ લગાવવામાં આવે છે. આ ટ્રેનો કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન અથવા પાર્ટિક્યુલેટ મેટર જેવા પ્રદૂષકોને છોડશે નહીં. આનાથી પ્રદૂષણ નહીં થાય. હાઇડ્રોજન ઇંધણ કોષોની મદદથી હાઇડ્રોજન ઇંધણનો ઉપયોગ કરીને વીજળી ઉત્પન્ન થાય છે.
આ પ્રકારની ટ્રેનને હાઇડ્રેલ પણ કહેવામાં આવે છે
આ પ્રકારની ટ્રેનને હાઇડ્રેલ પણ કહેવામાં આવે છે. આ ટ્રેનમાં ચાર કોચ હોઈ શકે છે. આ ટ્રેનને નીલગીરી માઉન્ટેન રેલ્વે, દાર્જિલિંગ હિમાલય, કાલકા શિમલા રેલ્વે, કાંગડા વેલી અને બિલમોરા વાઘાઈ અને મારવાડ દેવગઢ મદરિયા રૂટ પર ચલાવવાની યોજના છે. આ ટ્રેન 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. આ ટ્રેનને કરુપથલા અને ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવી રહી છે.