લોકસભા ચૂંટણીમાં હવે સાતમા અને અંતિમ તબક્કાનો ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન પર આકરા પ્રહાર ચાલુ રાખ્યા હતા. તેમણે કહ્યું, વિપક્ષના ગઠબંધનનો ફુગ્ગો ફૂટી ગયો છે અને કોઈ કોંગ્રેસ તથા ઈન્ડિયા ગઠબંધનને મત આપવા માગતું નથી. કેજરીવાલ પર હુમલો કરતાં તેમણે આપના રાષ્ટ્રીય સંયોજકને અનુભવી ચોર ગણાવ્યા હતા.
પંજાબમાં અંતિમ ૭મા તબક્કામાં મતદાન છે ત્યારે વડાપ્રધાન મોદીએ ગુરુવારથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. તેમણે નોંધ્યું કે, દેશમાં પાંચ તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે અને છઠ્ઠા તબક્કાનું મતદાન શનિવારે છે. પીએમ મોદીએ શુક્રવારે જલંધરમાં જણાવ્યું કે, વિપક્ષના ગઠબંધનનો ફુગ્ગો ફૂટી ગયો છે અને તેમને કોઈ મત આપવા માગતું નથી. તમે જલંધરમાં એક ચોકમાં જઈને ઊભા રહો અને ૧૦૦ લોકોને પૂછો કે કોની સરકાર બની રહી છે તો ૯૦ લોકો કહેશે કે મોદી સરકારનું પુનરાગમન થશે.
તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં એક સમયે આતંકવાદનું જોખમ સતત વધી રહ્યું હતું ત્યારે તેમની સરકારે આતંકવાદની કમર તોડી નાંખી છે. દેશવાસીઓ સમજી ગયા છે કે કોંગ્રેસ હશે ત્યાં સમસ્યા રહેશે, ભાજપ સમસ્યાનો ઉકેલ લાવશે. પંજાબ ગુરુઓની જમીન છે, પરંતુ કોંગ્રેસે તેને માત્ર જમીનનો ટુકડો જ માન્યો છે.