ઈલેક્ટ્રિક ટુ-વ્હિલરની માગ સતત વધી રહી છે, સરકાર પણ લોકોને ઈલેક્ટ્રિક વાહન ખરીદવા પ્રોત્સાહિત કરવા સબસિડી સહિત અનેક લાભો આપી રહી છે. આ ટ્રેન્ડને જાળવી રાખતાં સરકારે ઈવી પર મળતી સબસિડીની સમય મર્યાદા આગામી સાત મહિના સુધી લંબાવી છે.
ઈલેક્ટ્રિક થ્રી વ્હિલર્સમાં સબસિડી ઘટી
કેન્દ્ર સરકાર દ્વારા PM E-Drive મારફત ઈલેક્ટ્રિક ટુ વ્હિલર્સ પર રૂ. 10000ની સબસિડીનો લાભ ચાલુ રાખ્યો છે. સરકારે આ વાહનો પર મળનારા સબસિડી પ્લાનની સમય મર્યાદા માર્ચ-25 સુધી લંબાવી છે. બીજી તરફ ઈલેક્ટ્રિક થ્રી વ્હિલર્સ પર પણ 50 હજારની સબસિડી આપી રહ્યા હતા. પરંતુ સરકારે એપ્રિલ-2024થી આ રકમ ઘટાડી રૂ. 25 હજાર કરી છે.
ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરાશે
કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રી એચડી કુમારસ્વામીએ સરકારની આ યોજના વિશે ગઈકાલે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, અમારો ઉદ્દેશ માર્ચ-26 સુધીમાં ટુ-વ્હિલર સેગમેન્ટમાં આશરે 10 ટકા વાહનો અને થ્રી વ્હિલર્સમાં 15 ટકા વાહનો ઈલેક્ટ્રિક હોય. ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવા અને ક્લિન ટ્રાન્સપોર્ટેશન માટે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરવાની જરૂરિયાત દર્શાવી છે.
ઈલેક્ટ્રિક કાર પર સૌથી ઓછો જીએસટી
સરકાર દ્વારા ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપતી યોજના અંતર્ગત ઈ-કાર પર સૌથી ઓછો જીએસટી લાગુ છે. સરકાર દ્વારા ઈ-કારની ખરીદી પર માત્ર 5 ટકા જીએસટી લાગુ થાય છે, નવી યોજના ફેમના પાછલા બે તબક્કાને ધ્યાનમાં રાખતાં તૈયાર કરવામાં આવી છે.
જાહેર પરિવહનમાં ઈવીને પ્રોત્સાહન
સરકાર જાહેર પરિવહનમાં ઈવીનો ઉપયોગ વધારવા પ્રોત્સાહન આપી રહી છે. જેના માટે સરકારે ફાળવેલા બજેટનો આશરે 40 ટકા હિસ્સો (રૂ. 4391 કરોડ) ઈલેક્ટ્રિક બસોની સબસિડી પાછળ ખર્ચ કરવાની જોગવાઈ છે.