ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હરિયાણાના સોનિપતના ચૂંટણી પ્રચારમાં એક રેલીમાં વિપક્ષ પર જોરદાર હુમલો કર્યો હતો. આ સાથે તેમણે ઉત્તર પ્રદેશમાં તેમની સરકારની પ્રશંસા પણ કરી હતી. તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશની ડબલ એન્જિનની સરકારે રાજ્યને રમખાણોથી મુક્તિ અપાવી દીધી છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં સોનિપતમાં ચૂંટણી પ્રચાર કરવા પહોંચેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોનીપતમાં કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૭ પહેલાં ઉત્તર પ્રદેશની કેવી ખરાબ સ્થિતિ હતી. દર ત્રીજા દિવસે રમખાણો થતા હતા. પરંતુ ત્યાં ભાજપની સરકાર બન્યા પછી છેલ્લા 7.5 વર્ષમાં એક પણ રમખાણ થયું નથી. રમખાણ કરનાર વ્યક્તિ જાણે છે કે હુલ્લડ કરશે તો તેની સાત પેઢીની કમાણી જપ્ત થઈ જશે અને ગરીબોમાં વહેંચાઈ જશે.
રેલીને સંબોધન કરતા યોગી આદિત્યનાથે કહ્યું કે, 2017 પહેલાં ઉત્તર પ્રદેશમાં અરાજક્તા હતી અને બહેન-બેટીઓ સુરક્ષિત નહોતી. પરંતુ આજે ઉત્તર પ્રદેશ પીએમ મોદીના નેતૃત્વમાં સુરક્ષિત જ નથી પરંતુ વિકાસ પણ કરી રહ્યું છે. આજે ઉત્તર પ્રદેશમાં કોઈની સાથે ભેદભાવ નથી થતો અને બધાનો વિકાસ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશ આજે દેશના વિકાસમાં અવરોધરૂપ નથી, પરંતુ અગ્રણી ભૂમિકામાં છે.