2024માં દુનિયાભરના 70થી વધુ દેશોમાં ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં દુનિયાના અડધાથી વધુ લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. ભારત ઉપરાંત અમેરિકા, ઇયુ અને દક્ષિણ આફ્રિકામાં મતદાન થશે. તાજેતરમાં જ બ્રિટનના ભારતવંશી વડાપ્રધાન ઋષિ સુનકે મોટો અને સાહસી નિર્ણય કર્યો છે. સુનકે સમય કરતાં પહેલાં જ ચૂંટણી યોજવાની જાહેરાત કરી દીધી છે.
સુનક દ્વારા કરવામાં આવેલી આ જાહેરાતના કારણે વિરોધ પક્ષો પરેશાન થઇ ગયા છે. વિપક્ષી લેબર પાર્ટી હાલમાં સફળતા મેળવી રહી છે. સુનક પણ પરેશાન છે. હાલમાં યોજાયેલી પેટાચૂંટણીમાં સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીની હાર થઇ હતી. દરમિયાન ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદ પીએમ સુનક હવે વધારે આક્રમક બનીને વિપક્ષ પર પ્રહારો કરી રહ્યા છે.
ગેરકાયદે પ્રવાસી, મોંઘવારી અને આર્થિક સ્થિરતા મુખ્ય મુદ્દા
બ્રિટનમાં આ ચૂંટણી અનેક રીતે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. બ્રેક્ઝિટ (યુરોપિયન યુનિયનથી બહાર) થવા અને કિંગ ચાર્લ્સે સત્તા સંભાળી લીધા બાદ આ પ્રથમ ચૂંટણી છે. 1945 બાદ પ્રથમ વખત બ્રિટનમાં જુલાઇમાં મતદાન થશે. 14 વર્ષથી સત્તામાં રહેલી સુનકની કન્ઝર્વેટિવ પાર્ટી અને મુખ્ય વિપક્ષી દળ લેબર પાર્ટી વચ્ચે સીધી સ્પર્ધા છે.
સૌથી મોટો મુદ્દો ગેરકાયદે પ્રવાસીઓનો છે. સુનક રવાન્ડા નીતિ લઇને આવ્યા છે. વિપક્ષ આને પૈસાના બગાડની બાબત ગણાવે છે. મોંઘવારી, આર્થિક સ્થિરતાના મુદ્દા પર સુનક મત માંગી રહ્યા છે.
એપ્રિલમાં બાઇડેન ફંડ એકત્રિત કરવાના મામલે ટ્રમ્પથી પાછળ
લોકપ્રિયતાના મામલામાં પાછળ રહેલા અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન ફંડ એકત્રિત કરવાના મામલામાં પ્રથમ વખત એપ્રિલ મહિનામાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી પાછળ રહી ગયા છે. બાઇડેને એપ્રિલ મહિનામાં 51 મિલિયન ડોલરથી વધુની સંપત્તિ એકત્રિત કરી હતી. જે માર્ચમાં એકત્રિત કરવામાં આવેલા 90 મિલિયન ડોલર કરતાં ઓછા છે.
સૌથી મોટા મુદ્દા – અમેરિકામાં સૌથી મોટો મુદ્દો પ્રવાસી અને બોર્ડર સુરક્ષાનો છે. ટ્રમ્પ અર્થવ્યવસ્થા, બેરોજગારી અને મોંઘવારીના મુદ્દા પર બાઇડેનને દોષિત ગણે છે. ટ્રમ્પ કહે છે કે જો તેઓ રહ્યા હોત તો યુદ્ધની સ્થિતિ ન સર્જાઇ હોત .
છ જૂનના દિવસે મતદાન, 40 કરોડ મતદારો, દુનિયામાં બીજી સૌથી મોટી ચૂંટણી
યુરોપિયન સંસદ યુરોપના 27 દેશોની નાગરિકતાના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે. આના માટે છથી નવમી જૂન સુધી મતદાન થશે. 40 કરોડ લોકો મત આપશે. જેને ભારત બાદ સૌથી મોટી ચૂંટણી તરીકે જોવામાં આવે છે. ઇયુ સંસદ અર્થવ્યવસ્થા, સુરક્ષા, ગેરકાયદે પ્રવાસીથી લઇને ગરીબીની સામે લડવાની રણનીતિ અને જળવાયુ પરિવર્તન જેવા મુદ્દા પર ઇયુ સંસદ કાયદા બનાવે છે. યુરોપિયન સંસદની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય છે. છેલ્લે યુરોપિયન ચૂંટણી મે 2019માં યોજાઇ હતી. આ વખતે કુલ 720 એમઇપી ચૂંટાશે.