માતરના લીંબાસી પોલીસ મથકની હદમાં આવતા પરીએજ ગામના બસ સ્ટેન્ડ પાસે થાર કાર લઈને આવેલા બે માથાભારે ઈસમોએ પોલીસની ફરજમાં રૂકાવટ ઊભી કરી તેમની પર હુમલો કર્યો છે.જેમાં રોડ બંધ કરતાં થયેલા ઝગડામાં થાર કારના બે ઈસમો લીંબાસીના PSI ઉપર કાર ચઢાવીને ભાગી ગયા હતા. પોલીસે પીછો કરતાં વાલોત્રી ગામ નજીક આ બે ઈસમો અને તેમની સાથે આવેલા ટોળાએ પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. ધમકી આપતા કહ્યું કે, ‘મને પકડવા ગામમાં આવવાની ભૂલ કરશો નહીં, તમારા પીએસઆઇ ઉપર તો ગાડી ચડાવી દીધી છે. તમને ધારિયાથી કાપી નાખીશ તેમ કહ્યું હતું’. આ સમગ્ર બનાવમાં એક પીએસઆઇ અને ત્રણ પોલીસ કર્મચારી ઘાયલ થયા છે. જ્યારે પોલીસે એક રાયોટીગ અને અન્ય જાન લેવા હૂમલાની બે ફરિયાદો નોધી કાયદેસરની તપાસ હાથ ધરી.
પ્રાપ્ત માહિતી અનુસાર, લીંબાસી ચોકડીથી તારાપુર ચોકડી વચ્ચે તબક્કાવાર સી.સી.રોડની કામગીરી ચાલુ હોવાથી કલેકટર દ્વારા વાહનોની અવરજવર માટે પ્રતિબંધ મૂક્યો હતો.સ્થાનિક લીંબાસી પોલીસના માણસો પરીએજ ગામના બસ સ્ટેન્ડ નજીક ગતરોજ સાંજે ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે ઉભા હતા.આ દરમિયાન મફત વજાભાઇ ભરવાડ (રહે.વાલોત્રી, તા.માતર) નંબર વગરની થાર કાર લઈને આવ્યા હતા.આ કારમાં ગોવિંદ છગનભાઈ મારવાડી (રહે.તારાપુર, આણંદ) પણ હાજર હતા.આ મફત ભરવાડની કારને આગળ જતાં પોલીસે અટકાવી હતી.જેથી ચાલક મફતે કારમાંથી ઉતરી તમે કેમ મોટી ગાડીઓને જવા દેતા નથી, તેમ કહી ગાળાગાળી કરી હતી તો સામે પોલીસે કહ્યું કે, અહીંયા આગળ આર.સી.સી. રોડ બને છે આથી મોટા વાહનોની આવનજાવન પર પ્રતિબંધ છે.જે સંદર્ભે કલેકટરે જાહેરનામું પણ બહાર પાડ્યું છે.અમે અહીં ટ્રાફિક નિયમનની ફરજ કરીએ છીએ તેમ કહેતા આ માથાભારે મફત ભરવાડે સરકારી ફરજમાં રુકાવટ ઊભી કરીને અન્ય બીજી કારવાળાઓને કહેતા હતા કે આપણે અહીંથી જ જવાનું છે.આ ઘટનાની જાણ લીંબાસી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ આર.એ.દેસાઈને થતાં તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.જે બાદ પણ આ થારના કાર ચાલક મફત ભરવાડ કારમાંથી નીચે નહીં ઉતરતાં અને પોલીસને બેફામ ગાળો બોલતો હતો.આ ઉપરાંત બાજુની સીટ પર બેઠેલો ગોવિંદ છગનભાઈ મારવાડી પણ ઉશ્કેરણી કરીને પોલીસ ઉપર કાર ચઢાવવાનું કહેતો હતો. આ સમયે આસપાસના ગ્રામજનો અને અન્ય વાહનચાલકોના પણ ટોળેટોળાં ભેગાં થયાં હતાં.મફત ભરવાડ પણ વારેઘડીએ કારને રેસ આપતો હતો. હાજર પોલીસ કર્મચારીઓએ સમય સૂચકતા દાખવી ઉપરોક્ત કારની હવા કાઢવાનો પણ પ્રયાસ કર્યો હતો. આમછતાં પણ આ માથાભારે મફત ભરવાડે પોતાનું વાહન પુરઝડપે હંકારીને પીએસઆઇ ઉપર ચઢાવીને મારી નાખવાના ઇરાદે ગાડી ઉપર નાખી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.આ ઉપરાંત આજુબાજુમાં ઉભેલા લોકોને પણ ગાડીએ ચઢાવી મારી નાખવાના પ્રયત્ન કર્યો હતો તેમજ એક ગાડીને નુકસાન પણ પહોંચ્યાડયું હતું.આ બનાવમાં લીંબાસી પોલીસ મથકના પી.એસ.આઇ શ્રી દેસાઈ ઈજાગ્રસ્ત થયા હતા.
બીજી તરફ પોલીસે આ થાર કાર લઈને ફરાર થયેલા મફત ભરવાડની કારનો પીછો કર્યો હતો.મારી નાખવાના ઇરાદે ગાડી ચઢાવી તારાપુર તરફ ભાગેલા આ વ્યક્તિને પકડવા પોલીસની ગાડીઓ દોડી હતી. સાયલા પાટીયેથી પરીએજ, બામણગામ, દલોલી થઈ તારાપુર કાનાવાડા રોડ તરફ વાલોત્રી પાટીયા નજીક એક ખેતરમાં ઉતારી દીધી હતી.પોલીસના માણસો પણ પીછો કરતા કરતા ત્યાં પહોંચ્યા હતા. જ્યાંથી આ મફત વજાભાઇ ભરવાડ (રહે.વાલોત્રી, તા.માતર) અને ગોવિંદ છગનભાઈ મારવાડી (રહે.તારાપુર, આણંદ) પકડી લીધા હતા. આ દરમિયાન આ માથાભારે મફત ભરવાડે ફોન કરીને અન્ય લોકોને બોલાવ્યા હતા.જેથી 14 માણસોનું ટોળું મારક હથિયારો સાથે આવી ચઢ્યું હતું અને પોલીસ કર્મીઓ સાથે મારામારી કરી હતી. જેથી 3 પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા. અને પકડેલા બંને લોકોને પોલીસ પક્કડમાંથી છોડાવી આ લોકો ફરાર થયા હતા.
જતાં જતાં માથાભારે ઈસમો કહેતા ગયા કે, ‘મને પકડવા ગામમાં આવવાની ભૂલ કરશો નહીં, તમારા પી.એસ.આઇ ઉપર તો ગાડી ચઢાવી દીધી છે.અને તમને ધારિયાથી કાપી નાખીશું તેવી ગર્ભીત ધમકીઓ આપી હતી.આ બનાવમાં લીંબાસી પોલીસે જાતે ફરિયાદી બનીને બે જુદી જુદી ફરિયાદો નોંધી છે.જેમાં એકમાં ફરજમાં રૂકાવટ,જીવલેણ હુમલો સહિતની કલમ અને અન્ય ફરિયાદમાં રાયોટીગનો ગુનો નોંધી મફત વજાભાઇ ભરવાડ (રહે.વાલોત્રી, તા.માતર), ગોવિંદ છગનભાઈ મારવાડી (રહે.તારાપુર, આણંદ), કાર્તિક મફત ભરવાડ, ભનુ ગંદુ ભરવાડ, વિરમ વિક્રમ ભરવાડ, ભરત વિક્રમ ભરવાડ સહિત અન્ય લોકો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ તમામ આરોપીઓને પકડી લેવા ચક્રોગતિમાન કર્યા છે.