ખેડાના હરિયાળા નજીક વડાલા પાટિયાથી નેશનલ હાઈવે સુધીનો ૩૫૦૦ મીટર રોડનું રૂ.૩.૮૦ કરોડના ખર્ચે નિર્માણ થશે. આ રોડનું કામ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય કલ્પેશભાઈ પરમારની ઉપસ્થિતિમાં શરૂ કરવામાં આવ્યું હતું.
રોડના કાર્યારંભે યોજાયેલા સમારંભમાં સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું કે, આંતર માળખાકીય સવલતમાં રોડના કામોને પ્રાથમિકતા આપવાનો અભિમગ કેન્દ્ર અને રાજ્ય બંનેનો છે. માટે રોડ-રસ્તાના કામ માટે નાણાંકીય જોગવાઈ પૂરતી થાય તે દિશામાં પ્રયત્ન કરવો જોઈએ. રસ્તાના બાંધકામ દરમિયાન જનતાએ પણ તેની ગુણવત્તા બાબતે જાગ્રત રહેવું જોઈએ. જેથી રોડ બની ગયા પછી ઉઠતી લોકફરિયાદોને અવકાશ ના રહે.
વધુમાં સાંસદ દ્વારા જણાવવામાં આવ્યું કે, સંબંધિત અધિકારી અને એજન્સીઓએ પણ સમર્પિત ભાવથી ગુણવત્તા સભર કામ થાય તેનું ધ્યાન રાખવુ જોઈએ. આ કાર્યક્રમમાં ખેડા જિલ્લા પંચાયત સભ્ય દોલતસિંહ પરમાર, વડાલના સરપંચ ગાજેન્દ્રસિંહ ઝાલા, અજીતસિંહ, પ્રવિણસિંહ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.