નડિયાદ વિધાનસભા મત વિસ્તારમાં આવેલ પેટલાદરોડ ઉપરની વલેટવા ચોકડી ખાતે આજે રૂ.બે કરોડના ખર્ચે નિર્મિત થયેલ ચોકડી જંકશન ડેવલોપમેન્ટ તથા સીસીરસ્તાઓનું લોકાર્પણ પ્રદેશના પોશાધ્યક્ષ સુરેન્દ્રભાઇ પટેલ, નડિયાદના ધારાસભ્ય પંકજભાઇ દેસાઇ, સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઇ પટેલ, પેટલાદના ધારાસભ્ય કમલેશભાઇ પટેલ તથા વડતાલ સંપ્રદાયના મુખ્ય કોઠારી પૂ.સંતસ્વામીના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું.
વલેટવા ગામે સુપ્રસિદ્ધ મનકામેશ્વર મહાદેવજીના ૫૧ કિલોના પારદેશ્વર શિવલિંગનીસાથે અન્ય ૧૨ જ્યોર્તિલિંગો સહિત સર્વ સંપ્રદાયના દેવાધિદેવોની એક જ મદિરમાં પૂજા થતી હોય તેવું આ મંદિર છે. આ મંદિરનો ખુબજ મોટો મહિમા છે જેના કારણે વલેટવા ગામ ગુજરાતમાં પ્રસિદ્ધ બન્યું છે. આ ગામ નડિયાદ વિધાનસભામાં આવેલું છે.
આ ગામને સર્વપ્રકારે સમૃદ્ધ બનાવવા માટે કટીબદ્ધ થયેલા ધારાસભ્ય પંકજભાઇ દેસાઇ દ્વારા રૂ. બે કરોડના ખર્ચે વલેટવા ચોકડી ખાતે સર્કલથી ગામ તરફ ૬૦૦ મીટરના રોડને વાઇડનીંગ કરી ડ્રેનેજવર્ગ અને અન્ય સુવિધાઓ સાથે જંકશન બનાવવામાં આવ્યું છે. પ્રતિદિન આ ચોકડીનો ખુબજ મોટો વિકાસ થઇ રહ્યો છે. નડિયાદ, પેટલાદ, આણંદ,બાંધણી,તારાપુર સહિતના વિસ્તારોને જોડતી ચોકડીને જંકશનના સ્વરૂપમાં રૂપાંતરીત કરાતા પ્રજાજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે.
આ પ્રસંગે તાલુકા ભાજપના મહામંત્રી, સરપંચ, ડે.સરપંચ, કણજરીના પ્રમુખ, જિલ્લા પંચાયત પૂર્વ સભ્ય સહિત આસપાસના વિસ્તારના સરપંચો, તાલુકાપંચાયતના સભ્યો, પૂર્વ જિલ્લા પંચાયતના સભ્યો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)