ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ વખતની અમેરિકાની યાત્રા અત્યંત મહત્વની બની રહી છે. આ યાત્રા દરમિયાન, અમેરિકા સાથે મહત્વના કરારો તો થશે જ પરંતુ તેથી એ વધુ મહત્વની વાત તે છે કે આ યાત્રા સાથે ભારત એક વિશ્વ શક્તિ તરીકે આગળ આવી જશે તેમ નિરીક્ષકો માને છે.
નરેન્દ્ર મોદી તેઓની યાત્રાનાં પહેલા ચરણમાં મંગળવારે ન્યૂયોર્ક પહોંચ્યા ત્યારે ભારતીય સમુદાયે તથા અમેરિકાના અધિકારીઓએ તેઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું. અહીંથી તેઓ યુનો ગયા, જયાં યોગ શિબિરનું નેતૃત્વ લીધું.
વાસ્તવમાં મોદીની આ આઠમી અમેરિકા યાત્રા છે. પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન અને તેઓનાં પત્ની જીલ બાયડનનાં વિશેષ આમંત્રણથી અમેરિકા જનારા તેઓ ભારતના પહેલા વડાપ્રધાન છે.
વોશિંગ્ટન પહોંચતાં તેઓનું રેડ કાર્પેટ સ્વાગત કરવા સાથે ૨૧ તોપોની સલામી પણ આપવામાં આવી હતી. ૨૧મીની રાત્રે જ તેઓને બાયડન-દંપતિએ અંગત ભોજન પણ આપ્યું હતું.
આવતીકાલે ૨૨ જૂને તેઓનું વ્હાઈટ હાઉસમાં વિધિવત સ્વાગત કરાશે. વ્હાઈટ હાઉસનાં પ્રટાંગણમાં તે સમયે ૭ હજારથી વધુ અમેરિકન ભારતીયો પણ ઉપસ્થિત રહેશે. આ પછી મોદીને અમેરિકાના રાષ્ટ્રપતિના ખાસ મહેમાનો માટેના ગેસ્ટ હાઉસ બ્લેર-હાઉસમાં ઉતારો આપવામાં આવશે.
અમેરિકા મોદીની યાત્રાને બેહદ મહત્વની માને છે. તે માટે ૬ મહિના પૂર્વેથી તેણે પ્લાનિંગ શરૂ કરી દીધું હતું. તેઓ બીજી વાર અમેરિકી કોંગ્રેસ (સંસદ)નાં બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન કરશે. આ માન આ પૂર્વે ઇંગ્લેન્ડના તે સમયના વડાપ્રધાન વિન્સેન્ટ ચર્ચિલ તથા નેલ્સન મંડેલાને જ અપાયું છે.
મોદી અમેરિકામાં કુલ ૭૨ કલાક રોકાશે. દરમિયાન ૧૦થી વધુ કાર્યક્રમો અને બેઠકોમાં ભાગ લેશે.
અમેરિકા સાથે મોદી સંરક્ષણ ક્ષેત્ર સહિત બહુવિધ ક્ષેત્રે કરારો કરશે.
ઉલ્લેખનીય છે કે ફાયટર જેટ એન્જિન બનાવવાની ટેકનિક દુનિયાના માત્ર ગણ્યા ગાંઠયા દેશો પાસે જ છે. આ ટેકનોલોજી અમેરિકાની ટોપ સિક્રેટસ પૈકીની એક છે. આ ટેકનિક અમેરિકા તેના તદ્દન નજીકના મિત્ર દેશોને જ આપે છે. આ ઉપરાંત તે ભારતને પોતાના એટેક ડ્રોન પ્રિડેટર્સ પણ આપવાનું છે. આ ઉપરાંત અંતરિક્ષ ક્ષેત્રે પણ સહકાર સધાશ.
મોદી બાયડન વચ્ચે પહેલાં પોત પોતાના પ્રતિનિધિ મંડળો સાથે અને પછી એક થી એક પણ ચર્ચા થવા સંભવ છે. જેમાં બંને નેતાઓ ક્વોડ તથા ઇંડો-પેસિફિક વિષે ચર્ચા કરશે જ. તેમજ વર્તમાન વૈશ્વિક પ્રશ્નો, આફ્રિકી દેશો હિત દુનિયાના અનેક દેશોમાં પ્રવર્તતી દારૂણ ગરીબી અને ભૂખમરા જેવી સ્થિતિ વિષે તો ચર્ચા થશે જ પરંતુ તે સાથે યુક્રેન યુદ્ધ અને તાઇવાન-કટોકટી વિષે પણ ચર્ચા થશે જ. આથી જ ચીન ભારત ઉપર ગિન્નાયું છે. તેનાં સત્તાવાર વર્તમાનપત્ર ગ્લોબલ ટાઈમ્સે એક લાંબો લેખ છાપ્યો છે. જેમાં તેણે ભારતને અમેરિકાનાં પ્યાદા તરીકે જણાવ્યું છે.