ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જરૂરિયાત સમયે કટોકટીનો અમલ કરવાની છૂટ આપી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને વહીવટકર્તાઓને પત્ર લખી સિવિલ ડિફેન્સ રૂલ્સ હેઠળ જરૂરી સાવચેતીના પગલાંના અસરકારક અમલ માટે જરૂર પડે તો ઈમરજન્સી પાવર (કટોકટીની સત્તા)નો ઉપયોગ કરવા આદેશ આપ્યો છે.
ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ સ્થિતિમાં બનાસકાંઠા,પાટણ, કચ્છ સહિતના સરહદી વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી સરહદી જિલ્લામાં સુરક્ષાની સમીક્ષા કરી હતી.
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો
ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન મોર્ટાર અને આર્ટિલરી ગનની મદદથી સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. તેમજ મોડી રાત્રે ડ્રોન અને મિસાઈલો વડે સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યું છે. જો કે, ભારતીય સેના તેનો જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાનના તમામ ડ્રોન અને મિસાઈલ હુમલાને નિષ્ફળ બનાવ્યા છે.
ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ
ગૃહ મંત્રાલયે આજે સવારે ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષની સ્થિતિમાં સોશિયલ મીડિયા અને અમુક મીડિયા પ્રકાશનો દ્વારા ફેલાવવામાં આવી રહેલા ખોટા અહેવાલો અને ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી હતી. ઘણા જૂની તસવીરો અને હુમલાની મદદથી ફેક ન્યૂઝ વાઈરલ કરી રહ્યા છે. જેના પર ફોકસ કરતાં પહેલાં ફેક્ટ ચેક કરવા પણ અપીલ કરી છે.