ભારત અને અમેરિકા વિશ્વ વેપાર સંગઠન (ડબ્લ્યુટીઓ)માં પોતાના છ વેપાર વિવાદ સમાપ્ત કરવા સંમત થઇ ગયા છે. ભારતે બદામ, અખરોટ અને સફરજન જેવા અમેરિકાના ૨૮ ઉત્પાદનો પર જવાબી કસ્ટમ ડયુટી દૂર કરવાનો પણ નિર્ણય લીધો છે.
અમેરિકાના પ્રમુખ જોે બાઇડેન અને પ્રથમ મહિલા જિલ બાઇડેનના નિમંત્રણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકાના પ્રવાસ દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે અમેરિકાએ ૨૦૧૮માં રાષ્ટ્રીય સુરક્ષાના આધાર પર કેટલાક સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉત્પાદનો પર અનુક્રમે ૨૫ ટકા અને ૧૦ ટકા આયાત ડયુટી લગાવી હતી.
અમેરિકાના વેપાર પ્રતિનિધિ કેથરીન તાઇએ આજે જણાવ્યું હતું કે અમેરિકા અને ભારત વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં છ વેપાર વિવાદ સમાપ્ત કરવા તૈયાર થઇ ગયા છે. તેમણે ભારત દ્વારા અમેરિકાના ૨૮ ઉત્પાદનો પર કસ્ટમ ડયુટી દૂર કરવાના નિર્ણયનું પણ સ્વાગત કર્યુ હતું.
A strong and developed India augurs well for global good. pic.twitter.com/KfkZIxpJy3
— Narendra Modi (@narendramodi) June 24, 2023
તેમણે જણાવ્યું હતું કે ભારતના કસ્ટમ ડયુટી દૂર કરવાના નિર્ણયથી અમેરિકન કૃષિ ઉત્પાદનો અને મેન્યુફેકચર્સ માટે નવી તકો ઉભી થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ જો બાઇડેન વચ્ચેની બેઠકના અંતે જારી કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે બંને દેશોે દ્વિપક્ષીય સહકાર વધારવા અને આર્થિક સંબધો વધુ મજબૂત બનાવવા સંમત થયા છે.
અમેરિકા અને ભારત ડબ્લ્યુટીઓમાં જે છ વિવાદ સમાપ્ત કરવા સંમત થયા છે તેમાં ત્રણ અમેરિકા અને ત્રણ ભારત દ્વારા શરૃ કરવામાં આવ્યા હતાં. આ છ વિવાદોમાં ભારતની હોટ રોલ્ડ કાર્બન સ્ટીલ ફલેટ પ્રોડક્ટ, સોલર સેલ અને મોડયુલ સાથે સંકળાયેલા પગલાઓ, રિન્યુએબલ એનર્જી સેક્ટર સાથે સંકળાયેલા પગલાઓ, નિકાસ આધારિત પગલાઓ, સ્ટીલ અને એલ્યુમિનિયમ પ્રોડક્ટ આધારિત પગલાઓ તથા અમેરિકાની કેટલીક પ્રોડક્ટ પર વધારાની ડયુટીનોે સમાવેશ થાય છે.
અમેરિકા ભારતનો સૌથી મોટોે ટ્રેડિંગ પાર્ટનર છે. ૨૦૨૨-૨૩માં બંને દેશોનોે દ્વિપક્ષીય વેપાર વધીને ૧૨૮.૮ અબજ ડોલર રહ્યો હતો જે ૨૦૨૧-૨૨માં ૧૧૯.૫ અબજ ડોલર હતો.