ભારતીય નેવીના બહાદુર જવાનોએ લાઇબેરિયાના ધ્વજ સાથેના જહાજને હાઇજેક કરવાના પ્રયાસને ખાળ્યો હતો અને તેમાં સવાર 15 ભારતીય સહિત ચાલક દળનાં 21 સભ્યોને બચાવી લીધા હતા. નેવીના મેરિન કમાન્ડોએ તત્પરતા અને બહાદુરી બતાવી તત્કાળ ઓપરેશન હાથ ધર્યું હતું અને ઉત્તર આરબ દરિયામાંથી બ્રાઝીલથી બહેરીન જઇ રહેલા જહાજને પાંચથી છ સશસ્ત્ર ચાંચિયાઓના ચુંગાલમાંથી છોડાવી લીધું હતું.
આમ ભારતે ફરી એકવાર સ્પષ્ટ કરી દીધું છે કે તે અરબી સમુદ્રમાં કોઈપણ પ્રકારની ચાંચિયાગીરી સહન કરશે નહીં અને સંદેશાવ્યવહારની દરિયાઈ માર્ગોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.
દરિયાઇ ચાંચિયાઓએ એમવી લિલા નોર્ફોકનાં અપહરણનો પ્રયાસ કર્યો હતો. જેની જાણ થતાં જ નેવીએ એક યુદ્ધજહાજ, મેરિટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ, હેલિકોપ્ટર્સ અને પી-81 અને લોંગ રેન્જ એરક્રાફ્ટ અને પ્રીડેટર MQ9B ડ્રોન્સ ગોઠવી દીધા હતા અને તમામને સલામત રીતે જહાજમાંથી બહાર કાઢ્યા હતા તેમ ભારતીય નેવીના પ્રવક્તા કમાંડર વિવેક માધવાલે જણાવ્યું હતું.
‘માર્કો કમાંડો દ્વારા ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. જેમાં હાઇજેકર્સ ભાગી છૂટ્યા હતા. ભારતીય નૌકાદળના મેરીટાઇમ પેટ્રોલિંગ એરક્રાફ્ટ અને યુધ્ધ જહાજ દ્વારા તેમને આંતરવામાં આવતાં જ ચાંચિયાઓએ અપહરણ કરવાનો પ્રયાસ છોડી દીધો હોવાનું મનાય છે’ તેમ તેમણે કહ્યું હતું.
ભારતીય જહાજ આઇએનએસ ચેન્નઇ એમવી લિલા નોર્ફોકની નજીકમાં રહ્યું છે અને તે જહાજમાં પાવર જનરેશન અને પ્રોપલ્શનને પુનઃસ્થાપિત કરવામાં મદદ આપી રહી છે. ઉપરાંત કોલના આગલા પોર્ટ પર તેની સફર શરૂ કરવામાં મદદ કરી રહી છે તેમ માધવાલે ઉમેર્યું હતું.
દિવસના પ્રારંભમાં નેવીએ એન્ટિ પાઇરસી પેટ્રોલમાંથી વોરશિપ આઇએનએસ ચેન્નઇને ડાયવર્ટ કર્યું હતું અને અપહૃત જહાજને 3ઃ15 કલાકે આંતર્યું હતું. મેરિટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ પી81 અને પ્રીડેટર MQ9B ડ્રોન્સનો ઉપયોગ કરીને જહાજને સતત સર્વેલન્સ હેઠળ રાખવામાં આવ્યું હતું.
માધવાલે ઉમેર્યું હતું કે ‘મિશન પર તૈનાત યુદ્ધ જહાજ પર હાજર ભારતીય નૌકાદળના મરીન કમાન્ડો વેપારી જહાજમાં સવાર થયા અને સેનિટાઇઝેશન ઓપરેશન હાથ ધર્યું હતું.’
એમવી લિલા નોર્ફોકે યુનાઇટેડ કિંગડમ મેરિટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (યુકેએમટીઓ) પોર્ટલ પર એક મેસેજ છોડીને સંકેત આપ્યો હતો કે પાંચથી છ અજાણ્યા સશસ્ત્ર લોકો મંગળવાર સાંજથી જહાજ પર સવાર થયા છે. એ પછી નેવી સજ્જ બની ગઇ હતી. તેણે આ વિસ્તારમાં અન્ય મેરિટાઇમ સંસ્થાઓ સાથે સંકલનમાં રહીને એકંદર સ્થિતિ પર બારીકાઇથી નજર રાખી રહી છે. યુકેએમટીઓ એ બ્રિટિશ મિલિટરી સંગઠન છે. જે વ્યૂહાત્મક પાણીના માર્ગોમાં વિવિધ જહાજોની હેરફેરને ટ્રેક કરે છે. નેવીએ જણાવ્યું હતું કે ‘વિમાન શુક્રવારે સવારે જહાજની ઉપર ઉડ્યું હતું અને સંપર્ક સ્થાપિત કર્યો હતો. એ પછી તેણે ક્રૂની સલામતી સુનિશ્ચિત કરી હતી.’
આ કાર્ગો જહાજ લીલા ગ્લોબલ નામની કંપનીનું છે. કંપનીના સીઇઓ સ્ટીવ કુંઝરે જણાવ્યું હતું કે ભારતીય નેવી શિપ આઇએનએસ ચેન્નઇ દ્વારા લિલા નોર્ફોકને સફળતાપૂર્વક બચાવી લેવાયું છે. અમે આ બચાવ કામગીરીમાં સામેલ તમામ સંસ્થાઓ ખાસક રીને ભારતીય નેવીનો આભાર વ્યક્ત કરવા માગીએ છીએ.
છેલ્લાં કેટલાંક સપ્તાહોમાં વ્યૂહાત્મક જળમાર્ગમાં બનેલી ઘટનાઓમાં આ વધુ એક ઉમેરો છે. 23 ડિસેમ્બરે 21 ભારતીય ક્રૂ સભ્યો સાથેના એક જહાજને નિશાન બનાવાયું હતું. એમવી કેમ પ્લુટો નામનું આ જહાજ પણ લાઇબેરિયન ધ્વજ ધરાવતું હતું. તેના પર ડ્રોન હુમલો કરાયો હતો.