રિપોર્ટ -ભાવેશ સોની (આણંદ)
આણંદમાં પોશ વિસ્તારમાં દેવપોઢી અગિયારસના પવિત્ર દિવસે કોઈ અસમાજીક તત્વો દ્વારા ગૌ વંશનું કતલ કરેલ મુખ ફેંકી જતો રહેતા નગરમાં અરેરાટી અને વ્યાપક આક્રોશ ફેલાઈ ગયો છે.આ વિગત અંગે સ્થાનિક રહીશો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.જોકે વાયુવેગે નગરમાં પ્રસરતા લોક ટોળા એકઠા થયા હતા.આ અંગે ભાજપના યુવા નેતા પિંકલ ભાટિયા અને કાર્યકરોએ ઘટના સ્થળે પહોંચી હલ્લો બોલાવ્યો હતો અને બકરિદના તહેવારના દિવસોમાં નગરની શાંતિ અને એકતા ડહોળવાનો કારસો કરતા અસમાજિક તત્વોને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરી હતી.જોકે પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી સ્થિતિની ગંભીરતા સમજી આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવા કવાયત હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ આ આણંદમાં ગ્રીડ ચોકડી પાસે આવેલ કૃષ્ણકુંજ સોસાયટી પાસેના જાહેર માર્ગ ઉપર કોઈ અસમાજીક ઈસમ ગાયનું ધડ અલગ કરેલ મુખ ફેંકી જતો રહ્યો હતો.સોસાયટીના રહીશો અને અહીથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોએ આ દ્રશ્ય જોતા ભારે અરેરાટી વ્યાપી હતી.આ ઘટના અંગે નગરની જનતાને જાણ થતાં હિન્દુ સમાજના આગેવાનો અને કાર્યકરો તેમજ લોકટોળા ઉમટ્યા હતા.સ્થાનિકો દ્વારા આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલો વધુ વણસે તે પહેલાં કાબૂમાં લેવા પ્રયત્ન કર્યો હતો.
મહત્વનું છે કે આજે બકરીદ લઈ હજારો પશુઓની કતલ આણંદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં થઈ હશે.આ તહેવારને હિન્દુ સમાજમાં અતિ પવિત્ર ગણાતા અને પુંજાતા ગૌ વંશનું કતલ કરેલ મુખ નિહાળી હિન્દુ સમાજમાં વ્યાપક રોષ વ્યાપ્યો છે.હિન્દુ સમાજના આગેવાનો અને ભાજપ યુવા નેતા પિંકલ ભાટિયાએ ઘટના સ્થળે પહોંચી હિન્દુ સમાજને ઇરાદાપૂર્વક છંછેડી ઉશ્કેરણી કરતા અસમાજીક તત્વોને તાત્કાલિક અસરથી ઝડપી લેવા માંગણી કરી હતી.
આ અંગે આક્રોશ વ્યક્ત કરતા ભાજપ યુવા નેતા પિંકલ ભાટિયાએ જણાવ્યું હતું કે સરકાર અને પોલીસ બન્ને કોમીએક્તા માટે સતત પ્રયત્નશીલ છે.વળી બકરીદના તહેવાર પહેલા આણંદ પોલીસ દ્વારા હિન્દુ તેમજ મુસ્લિમ આગેવાનોને સાથે રાખી શાંતિ સમિતિની બેઠક પણ યોજાઈ હતી.તેમ છતાં કેટલાક અસામાજીક તત્વો ઇરાદાપૂર્વક હિન્દુ સમાજની લાગણી અને નગરની પવિત્રતા દુભાય તેવા હિન કૃત્યો કરે છે તે સહન થઈ શકે તેમ નથી.આ અંગે તેઓએ પોલીસને આ બાબતે આરોપીઓને તાત્કાલિક અસરથી ઝડપી દબોચી લઈ કાયદેસરની દંડનાત્મક કાર્યવાહી કરવા માંગણી કરી હતી.
આ ઘટનાની જાણ આણંદ સાંસદ મિતેષભાઈ પટેલને થતા તેઓએ પણ આ અસમાજીક ક્રૂર કૃત્ય અંગે નિંદા વ્યક્ત કરી હતી.આ ઉપરાંત તેઓએ આણંદ પોલીસને તાત્કાલિક અસરથી આણંદની શાંતિ અને એકતા ડહોડનાર તત્વોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરવા તાકીદ કરી હતી.વળી વધુમાં તેઓએ આવી ધાર્મિક ઉશ્કેરણી કરતા અસમાજીક તત્વોને આવા હિંસક અપકૃત્યોથી દૂર રહેવા ચેતવણી આપી હતી.