સુરતમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 10 જાન્યુઆરીએ સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં આવેલ અડાજણ તાપી નદી કિનારેના રિવરફ્રન્ટ પાસે આ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાશે. આ ઉત્સવને સફળ બનાવવા માટે સુરત મહાનગરપાલિકા, જિલ્લા કલેક્ટર કચેરી, ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તેમજ અન્ય સંબંધિત તંત્રો દ્વારા યુદ્ધસ્તરે તૈયારી કરવામાં આવી રહી છે અને અલગ-અલગ વિભાગોને જુદી જુદી જવાબદારીઓ સોંપવામાં આવી છે.
આ ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં દેશ અને વિદેશના કુલ 94 જેટલા પતંગબાજો ભાગ લેશે, જેમાં બહેરીન, કોલંબિયા, ફ્રાન્સ, જર્મની અને પોલેન્ડ જેવા દેશોના 45 વિદેશી પતંગબાજો, કર્ણાટક, મહારાષ્ટ્ર, પંજાબ અને કેરલ જેવા રાજ્યોના 20 પતંગબાજો તેમજ ગુજરાતના 29 પતંગબાજો પોતાની અનોખી અને અવનવી પતંગ કલાઓ રજૂ કરશે.
આ દરમિયાન આકાશમાં રંગબેરંગી, આકર્ષક અને વિશિષ્ટ આકારના પતંગોના કરતબો સુરતીઓ માટે વિશેષ આકર્ષણ બનશે. સાથે જ, દેશ-વિદેશના પતંગબાજો ઉપરાંત સુરત શહેરના રમતવીરો અને વિદ્યાર્થીઓની હાજરીથી આ પતંગોત્સવ ઉત્સાહ, સંસ્કૃતિ અને મનોરંજનનું અનોખું સંગમ બનવાની અપેક્ષા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel