ખેડા જિલ્લા વીએચપીના મંત્રીની જીભ લપસતા વિવાદ સર્જાયો છે, કેટલાક સમાજ વિશે મંત્રીએ કરેલી ટિપ્પણીનો ઓડિયો વાયરલ થયા બાદ સમાજના લોકોની લાગણી દુભાઇ છે જેને લઇને માતર પોલીસ મથકે સમાજના કેટલાક લોકોએ એકઠાં થઇને લેખિત રજુઆત કરી હતી, જે બાદ વિશ્વ હિન્દુ પરિષદ ઉતર ગુજરાત પ્રાંત દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વિશ્વ હિન્દુ પરિષદ ઉતર ગુજરાત પ્રાંત આ નિવેદન કરવામાં આવ્યું છે કે વિશ્વ હિન્દુ પરિષદ ખેડા જિલ્લાના મંત્રી ઇશ્વરદાનભાઈ બારોટ જેઓ દ્વારા હિંદુ સમાજની જાતિગત ટીપણીની એક ઓડિયો ક્લિપ સોશ્યલ મીડિયા માં આવેલ છે. આ પ્રકાર ની જાતિગત ટીપણી ને વિશ્વ હિન્દુ પરિષદ ક્યારેય અનુમોદન આપતું નથી. સંગઠન સ્પષ્ટ માને છે કે બધાજ હિન્દુ એક છે અને એટલે જ આ પ્રકાર ની જાતિગત ટીપણી તે ઇશ્વરદાન ભાઈ બારોટ ની વ્યક્તિગત ટીપણી છે. વિશ્વ હિન્દુ પરિષદ આ પ્રકાર ની જાતિગત વૈમનસ્ય ને વખોડી કાઢી ને ઇશ્વરદાન બારોટ ને તેમના જીલ્લા મંત્રીના દાયિત્વમાંથી મુકત કરે છે.