પેજર અને વોકટોકીમાં વિસ્ફોટ બાદ ઇઝરાયેલે હવે લેબનોનમાં સક્રિય હિઝબુલ્લાહ વિરુદ્ધ હવે સીધું યુદ્ધ શરુ કરી દીધું છે. સોમવારે ઇઝરાયેલે હિઝબુલ્લાહના ઠેકાણે ભીષણ હુમલાઓ કર્યાં જેમાં 100 લોકોના મોત નિપજ્યા છે અને લગભગ 300 જેટલાં ઘાયલ થયા છે. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે આ વાતની જાણકારી આપી છે. ઇઝરાયેલની સેનાનું કહેવું છે કે તેમણે લગભગ 150 એર સ્ટ્રાઈક કરી જેમાં મોટી સંખ્યામાં હિઝબુલ્લાહના ઠેકાણાંને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. છેલ્લા એક વર્ષમાં ઇઝરાયેલે હમાસ અને હિઝબુલ્લાહની સાથે યુદ્ધ ચાલી રહ્યું છે પરંતુ એક જ દિવસમાં પહેલી વખત હિઝબુલ્લાહને આટલું મોટું નુકસાન થયું છે.
લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે હુમલાની જવાબદારી આપતા કહ્યું કે, ઇઝરાયેલની સેનાએ તેના દક્ષિણી વિસ્તારના ગામોમાં હુમલાઓ કર્યાં છે. આ હુમલામાં તેના 50 નાગરિક માર્યાં ગયા છે. આ ઉપરાંત 300 લોકો ઘાયલ થયા છે. આ લોકોમાં બાળકો, મહિલાઓ અને ઈમરજન્સી વર્કર્સ સામેલ છે. મંત્રાલયનું કહેવું છે કે શરુઆતની સંખ્યામાંજ મહિલાઓ અને બાળકો સામેલ છે. આ હુમલામાં લેબનોનના સાઉથવાળા વિસ્તાર ઉપરાંત પૂર્વોત્તર ક્ષેત્રને પણ ટાર્ગેટ કરાયો છે.
તો ઇઝરાયેલી સેનાનું કહેવું છે કે તેમણે હિઝબુલ્લાહ પર દબાણ બનાવવા માટે આ હુમલાઓ કર્યા છે. સેનાએ હુમલાની પહેલા જ જાહેરાત કરી દીધી હતી. તેમણે મિલિટ્રી ચીફ લેફટનન્ટ જનરલ હેરઝી હલેવીનું નિવેદન શેર કરતા કહ્યું હતું કે, ઇઝરાયેલ લેબનોન પર વધુ હુમલાઓ કરવાની તૈયારીમાં છે. હિઝબુલ્લાહે પણ આ પહેલા પેજર અને વોકીટોકીમાં વિસ્ફોટના જવાબમાં ઇઝરાયેલ પર હુમલાઓ કર્યા હતા. જેના પર ઇઝરાયેલે સીધા યુદ્ધમાં જ ઉતરવાની જાહેરાત કરી દીધી. અત્યાર સુધી ઇઝરાયેલનું ફોકસ ફક્ત હમાસ પર જ હતું પરંતુ હવે તેઓ લેબનોન વિરુદ્ધ પણ લડાઈ લડી રહ્યાં છે. મહત્વપૂર્ણ છે કે હિઝબુલ્લાહને ઈરાન સમર્થક ઉગ્રવાદી સંગઠન માનવામાં આવે છે.