ઇઝરાયેલે ઇરાન પર વળતો પ્રહાર કરવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી છે. ઇઝરાયેલના લશ્કરે ઇરાનના તે સ્થળોની પૂરેપૂરી યાદી બનાવી લીધી છે જેના પર તે તહેરાનના બેલિસ્ટિકિ હુમલાના જવાબમાં હુમલો કરી શકે છે. ઇઝરાયેલના લશ્કરે ઇરાનના ટાર્ગેટેડ સ્થળોની યાદી પીએમ બેન્જામિન નેતન્યાહુને સોંપી દીધી છે. અમેરિકાએ ઇઝરાયેલને ચેતવણી આપી છે કે જો તે ગાઝામાં એક મહિનામાં માનવીય મદદની સ્થિતિ નહીં સુધારે તો તેને આપવામાં આવતો શસ્ત્રોનો પુરવઠો રોકી દેવામાં આવશે.
અહેવાલ મુજબ ઇઝરાયેલના લશ્કર (આઇડીએફે)એ ઇરાન પર તેના હુમલાની તૈયારીઓ અંગે પીએમ બેન્જામિન નેતન્યાહુ અને સંરક્ષણ પ્રધાન યોવ ગેલેન્ટને લક્ષ્યોની એક યાદી સોંપી છે. ઇઝરાયેલના સૂત્રને ટાંકીને કહેવામા આવ્યું છે કે અમારું લક્ષ્ય સ્પષ્ટ છે અને હવે ફક્ત લીલીઝંડી મળતાં જ અમે ત્રાટકીશું. આમ હવે અમે ગમે ત્યારે ઇરાન પર પ્રહાર કરી શકીએ છીએ. ઇઝરાાયેલે અમેરિકાને પણ આ વાતની જાણ કરી દીધી છે અને તેની સાથે સ્પષ્ટતા કરી છે કે તે ઇરાનના પરમાણુ મથકને લક્ષ્યાંક નહીં બનાવે.
અમેરિકાએ જણાવ્યું હતું કે તાજેતરના મહિનાઓમાં ગાઝામાં મોકલવામાં આવતી માનવીય મદદમાં ઘટાડો થયો છે. ઇઝરાયેલના જણાવ્યા મુજબ અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટન બ્લિન્કેન અને સંરક્ષણ પ્રધાન લોઇડ ઓસ્ટિને ઇઝરાયેલની સરકારન લખેલી ચિઠ્ઠીમાં છેલ્લા કેટલાક મહિનાથી ગાઝામાં મોકલાતી માનવીય સહાયમાં થયેલા ઘટાડા સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. ઇઝરાયેલે લેબનોનમાં કરેલી બોમ્બ વર્ષામાં શહેરના મેયર સહિત ૨૨ના મોત થયા છે. ઇઝરાયેલે દક્ષિણ લેબનોનમાં કરેલા હવાઈ હુમલામાં ૧૫ના મોત થયા છે. ઇઝરાયેલ લશ્કર તરફથી આ અંગે કોઈ ટિપ્પણી કરાઈ નથી. આ પહેલા 1996ના યુદ્ધ વખતે ઇઝરાયેલે કરેલા હુમલામાં કાના શહેરમાં 100ના મોત થયા હતા. આમ જ્યારે પણ ઇઝરાયેલનો હુમલો થાય છે ત્યારે કાના શહેર તેનો બોગ બને જ છે.
આ દરમિયાન નબાતિયે શહેર પર થયેલા હુમલામાં મેયર સહિત છના મોત થયા છે. મ્યુનિસિપલ કાઉન્સિલની મીટિંગ ચાલી રહી હતી ત્યારે જ ઇઝરાયેલે હુમલો કર્યો હતો. લેબનોનના કામચલાઉ વડાપ્રધાન નજીબ મિકાતીએ ઇઝરાયેલ જાણીબૂઝીને લેબનીઝોને લક્ષ્યાંક બનાવી રહ્યુ હોવાનો આરોપ મૂક્યો હતો. ઇઝરાયેલે છ દિવસ બાદ બૈરુત પર ફરીથી હુમલા શરૂ કર્યા છે.લેબનોનમાંથી અત્યાર સુધીમાં ૨૦ લાખ લોકો વિસ્થાપિત થઈ ચૂક્યા છે. જ્યારે 2500થી વધુના મોત થયા છે.
હીઝબુલ્લાહના રોકેટ મારાના લીધે ઉત્તર ઇઝરાયેલમા 60 હજાર ઇઝરાયેલીઓએ તેમનું ઘર છોડવું પડયું છે. અત્યાર સુધી ઇઝરાયેલના ૬૦ના મોત થયા છે અને તેમાથી અડધા સૈનિક છે.
આ દરમિયાન પેલેસ્ટાઇનીઓએ જણાવ્યું છે કે ગાઝામાં ઇઝરાયેલના ઓપરેશન પછી તેને 350 મૃતદેહો મળી આવ્યા છે. ગાઝામાં જબલિયા ટાઉનમાં ઇઝરાયેલેે આકરી લશ્કરી કાર્યવાહી કરી છે. ઇઝરાયેલે છ ઓક્ટોબરથી શરુ કરેલા હુમલા પછી 350 મૃતદેહો મળી આવ્યા છે. હજી પણ કેટલાય મૃતદેહો કાટમાળ હેઠળ દટાયેલા હોવાની સંભાવના છે. આ દરમિયાન ઇઝરાયેલે ગાઝાવાસીઓને ઉત્તર ગાઝા ખાલી કરીને દક્ષિણમાં જવાનો આદેશ ફરીથી જાહેર કર્યો છે.