એન્ટિ રેગિંગ કમિટી ફક્ત કાગળ પર જ દેખાય છે. શિક્ષણ સંસ્થાના ડિન અને પ્રશાસન એ જાગૃત થવું અતિઆવશ્યક : અ.ભા.વિ.પ
ગુજરાત ના ધણા ખરા કોલેજ કેમ્પસો માંથી છેલ્લા કેટલાય સમયથી વિદ્યાર્થીઓ સાથે રેગિંગની ઘટનાઓ સામે આવી રહી છે, વારંવારની ઘટનાઓ સામે આવ્યા બાદ પણ શૈક્ષણિક સંસ્થાઓ કે ચોક્કસ અધિકારીઓ દ્વારા કોઈ પ્રકારે જાગૃતિ માટેના પગલા કે રેગિંગ રોકવા માટે કોઈ કાર્યવાહી કે પ્રયાસ કરવામાં આવી રહ્યા નથી, એન્ટિ રેગિંગ કમિટી ની રચના પણ ફક્ત કાગળ ઉપર જ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, શિક્ષણ સંસ્થાઓના ઉચ્ચ પ્રાધ્યાપકો, કોલેજો ના ડિન , પ્રિન્સીપાલો એ જાગૃત થઈ રેગિંગ સામે મોરચો માંડીને ખુશહાલ કેમ્પસ માટે પ્રયત્ન કરવા પડશે.
પાટણ ની ધારપુર મેડીકલ કોલેજ મા બનેલી રેગિંગની ઘટના અત્યંત હૃદયકંપી છે. MBBS ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અનિલ નટવરભાઈ મેથાણીયા સાથે કેટલાક સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા અમાનવીય વર્તન કરીને તેની સાથે રેગિંગ કર્યું હતું. જેના પરિણામ સ્વરૂપે અંતે વિદ્યાર્થીનું જીવન અકસ્માતનો ભોગ બન્યો અને વિદ્યાર્થીનું દુઃખદ મૃત્યુ થયું. આ તમામ ઘટના વિદ્યાર્થી પરિષદના ધ્યાનમાં આવતા તુરંત જ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા તે કોલેજમાં જઈને તેના ડીન અને પ્રશાસન સાથે રજૂઆત કરવામાં આવી અને કોલેજ પ્રસાશન દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગ સાર્થક કરવામાં વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ સફળ રહ્યા. રેગિંગ કરનારા શખ્સો ને કોઈપણ કાળે છટકવા દેવામાં આવે નહીં અને દાખલ કરેલ ફરિયાદ નો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તેવી માંગ વિદ્યાર્થી પરિષદ કરે છે.
અ.ભા.વિ.પ ગુજરાત પ્રદેશ મંત્રી શ્રી સમર્થ ભટ્ટ જણાવે છે કે, ” ગુજરાત માં વધતી જતી રેગિંગની ઘટનાઓ એ સમગ્ર શિક્ષણ જગત માટે લાંછન રૂપ છે, ધારપુર મેડિકલ કોલેજના મૃતક વિદ્યાર્થી અનિલ મેથાણીયા ના પરિવાર સાથે વિદ્યાર્થી પરિષદ નો સમગ્ર પરિવાર તેમની સાથે ખડે પગે ઉભો છે. અને સાથે જ વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે આ સમગ્ર મામલામાં ગુજરાત સરકાર પણ સંપૂર્ણ ગંભીરતા દાખવી, અને આ ઘટનાની તપાસ માટે એક કમિટી ની રચના કરવામાં આવે, જેથી મૃતકના પરિવારને ત્વરિત ન્યાય મળે , અને રેગિંગની માનસિકતા ધરાવતા લોકોમાં ચોક્કસપણે દાખલો બેસે તે દિશામાં કાર્યવાહી થાય. જેથી આગામી ભવિષ્ય મા આવી ધટનાઓ બંધ થાય અને શૈક્ષણિક પરિસરો મા ખુશહાલ છાત્ર જીવન ની સ્થાપના માટે પ્રયાસો થાય.