કપડવંજ પોલીસની સતર્કતાના કારણે ચોરીની ઘટના બને તે પહેલાં આંતરાજ્ય ચોરી કરતી મહિલા ગેંગને ઝડપી પાડવામાં આવી હતી. કપડવંજ પોલીસે કોઈ મોટી ઘટના બને તે પહેલાં આંતરાજ્ય કડીયા સાંસી ગેંગની ત્રણ મહિલાઓને ઝડપી પાડી છે. આ મહિલાઓ મહારાષ્ટ્ર, રાજસ્થાન,ગુજરાત, મધ્યપ્રદેશમાં ચોરીના 25 થી વધુ ગુનાઓને અંજામ આપી ચુકી છે. હાલ આ મહિલાઓને પકડી અન્ય રાજ્યની પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે
કપડવંજ શહેરમાં ચોરીનો અંજામ આપવા રેકી કરી રહેલ મહિલાઓ ચોરીની ફીરાકમાં કપડવંજ શહેરમાં આવેલ બેંકો આગળ રેકી કરે છે તેવી બાતમીના આધારે ટાઉન પોલીસે તાત્કાલિક મહીલા પોલીસને સાથે રાખી શંકાસ્પદ ૩ મહીલાઓ બેંક આગળ રેકી કરતી જણાઇ આવતાં તેઓને પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરતા ભારત દેશના અલગ- અલગ રાજ્યના ૨૫ જેટલા ગુનાઓ આચરેલ હોવાનું જણાઇ આવ્યું હતું. તેમજ હાલ આ ત્રણેય આરોપીઓ મહારાષ્ટ્ર, રાજસ્થાન,ગુજરાત, મધ્યપ્રદેશના ચોરીના ૬ ગુનાઓમાં નાસતા ફરતા હોવાનું ખુલ્યું હતું. કપડવંજ ટાઉન પોલીસે કાર્યવાહી કરી મહારાષ્ટ્ર પોલીસને જાણ કરી આરોપીઓનો કબ્જો સોપવા તજવીજ કરવામાં આવેલ છે.
કપડવંજ ટાઉન પોલીસની સતર્કતાના કારણે ચીલઝડપ/ચોરી જેવો ગંભીર ગુનો બનતો અટકાવી આંતરરાજ્ય ૨૫ જેટલા ગુનાઓ આચરેલ “કડીયા સાંસી” ગેંગની મુખ્ય સુત્રધાર સાથે મહીલા ત્રિપુટીને ઝડપી પાડતાં કપડવંજ ટાઉન પોલીસની કામગીરીને સૌએ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં.
આરોપીઓની મોડસ ઓપરેન્ડી
આ મહિલાઓ ચોરી કરવા તાલીમબધ્ધ હોય છે. ચોરી કરવા માટે કોઇ ગામ/શહેરને ટાર્ગેટ કરી પ્રાઇવેટ વાહનમાં આવી વાહન ગામની બહાર રાખી પોતે ગામમાં બેંક/એટીએમ/રેલ્વેસ્ટેશન/બસ સ્ટેન્ડ તેમજ ભીડભાડવાળી જગ્યાઓએ રેકી કરી ભીડનો લાભ લઈ એકબીજાની મદદગારીથી માણસોની નજર ચુકવી થેલી/થેલામાંથી રોકડ રકમ/કિંમતી વસ્તુઓની તેમજ વોલેટ/પાકીટની ચોરી કરી ભોગ બનનાર પોલીસ સ્ટેશન પહોંચે તે પહેલા ગામની બહાર મુકેલ પોતાના વાહનમાં બેસી ભાગી જતા હોય છે. તમામ પકડાયેલ આરોપીઓ “કડીયા સાંસી” ગેંગ તા.પાચોર જી.રાજગઢ (મ.પ્ર) ગેંગના સભ્યો છે.
પકડાયેલ આરોપીઓ
(1) નિકીતા સજજનસિંહ ભગવાનસિંહ ભાનેરીયા (સીસોદિયા) ઉ.વ.૧૯ રહે- ગુલખેડી, પાણીની ટાંકીની સામે, સરકારી સ્કુલની પાસે તા.પચોર, જી.રાજગઢ, મધ્ય પ્રદેશ,બોડા પોલીસ સ્ટેશન,
(2) દખોબાઈ વિજેન્દ્ર માંગીલાલ ઢપાણી (સીસોદીયા) (સાંસી) ઉ.વ.૩૫ રહે- હુલખેડી,હનુમાનજી મંદીર પાસે તા.નરસિંહગઢ જી.રાજગઢ, મધ્યપ્રદેશ, બોડા પોલીસ સ્ટેશન
(3) શબાના બ્રીજેશ મનજીતસિંઘ સીસોદિયા (સાંસી) ઉ.વ.૨૮ રહે- ગુલખેડી, નદીની પાસે તા.પચોર જી.રાજગઢ, મધ્ય પ્રદેશ બોડા પોલીસ સ્ટેશન.
રિપોર્ટર -સુરેશ પારેખ(કપડવંજ )