બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) અને સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF) દ્વારા ફ્લાઈટ બેગેજના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેમજ ઈન્ડિગો એરલાઈન્સ અને એર ઈન્ડિયા જેવી એરલાઈન્સ દ્વારા પણ નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે. જો તમે પણ નવા નિયમોથી અજાણ છો તો જાણી લે જો, નહીંતર જૂના નિયમો હેઠળ વધારાના પૈસા ચૂકવવા પડશે.
ભારતીય એરપોર્ટ પર મુસાફરોની વધતી સંખ્યાને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિયમો હેઠળ, હવે મુસાફરો આંતરરાષ્ટ્રીય અથવા સ્થાનિક મુસાફરી દરમિયાન વિમાનની કેબિનમાં તેમની સાથે ફક્ત ને ફક્ત એક જ બેગ લઈ શકશે. આ ઉપરાંત ફ્લાઇટની અલગ-અલગ શ્રેણી અનુસાર સામાનના વજન સાથે સંબંધિત નિયમમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.
કેટલું વજન કઈ શ્રેણીમાં?
એરોપ્લેનમાં ઈકોનોમી, પ્રીમિયમ ઈકોનોમી, બિઝનેસ અને ફર્સ્ટ ક્લાસ જેવા વિવિધ વર્ગ હોય છે. નવા નિયમો હેઠળ, તમે ઈકોનોમી અને પ્રીમિયમ ઈકોનોમીમાં 7 કિલો વજનની એક બેગ લઈ જઈ શકો છો. જ્યારે બિઝનેસ અને ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરતી વખતે, તમે તમારી સાથે 10 કિલો વજનની એક બેગ લઈ શકો છો. અગાઉના નિયમ અનુસાર વ્યક્તિ ઈકોનોમીમાં 8 કિલો વજનની, પ્રીમિયમ ઈકોનોમીમાં 10 કિલો અને બિઝનેસ અથવા ફર્સ્ટ ક્લાસમાં 12 કિલો વજનની બેગ સાથે લઈ જતાં હતા.
બેગની સાઈઝ
એરોપ્લેન કેબિનમાં બેગ લઈ જતી વખતે તમારે તેની સાઈઝ સંબંધિત નિયમનું પણ પાલન કરવું પડશે. બેગની મહત્તમ ઊંચાઈ 55સેન્ટિમીટર અથવા 21.6 ઇંચ, મહત્તમ લંબાઈ 40સેન્ટિમીટર અથવા 15.7 ઇંચ અને મહત્તમ પહોળાઈ 20સેન્ટિમીટર અથવા 7.8ઇંચ જેટલી હોવી જોઈએ. જો બેગ જણાવેલ સાઇઝ કરતાં મોટી હશે, તો તમને સિક્યુરિટી ચેકિંગ વખતે સમસ્યા ઊભી થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, આ નિયમ 2 મે, 2024 ના રોજ અથવા તે પહેલાં બુક કરવામાં આવેલી ફ્લાઇટ ટિકિટ પર લાગુ પડશે નહીં.