શનિની સાડાસાતી વિશે અનેક વાતો પ્રચલિત છે. શનિ જ્યારે કોઈ વ્યક્તિના ગ્રહોમાં ગોચર ગતિ કરે, ત્યારે વ્યક્તિના ગ્રહોમાં પનોતી બેસે છે. આ પનોતીને દૂર કરવા શનિદેવને રીઝવવામાં આવે છે. સમગ્ર દેશમાં શનિદેવના અનેક મંદિર આવેલા છે, અમદાવાદના શાહીબાગમાં મુખ્ય માર્ગ પર આવેલું શનિદેવનું મંદિર ઘણું પ્રખ્યાત છે. અમદાવાદના શાહીબાગમાં મુખ્ય માર્ગ ઉપર આવેલું શનિદેવનું મંદિર આવેલુ છે. મંદિર આશરે ૩૩ વર્ષ જુનું છે. શાહીબાગ બ્રીજના નિર્માણ સમયે મંદિરને 1991માં ખસેડવામાં આવ્યું હતુ. વસંત પંચમીના દિવસે મંદિરમાં મૂર્તિની ધામધૂમથી સ્થાપના કરવામાં આવી હતી. દર શનિવારે મંદિરે ભક્તોની ભીડ જામે છે. આ મંદિર હાલ આસ્થાનું પ્રતિક બન્યું છે. અહીં ખરા મનથી કોઈ પ્રાર્થના કરી હોય, તો ચોક્કસથી એ પ્રાર્થના ફળે છે. લોકો સાડાસાતીને દૂર કરવા તેમજ શનિદેવને રીઝવવા મંદિરે આવે છે.
અમદાવાદના શાહીબાગમાં શનિદેવ બિરાજમાન
ભાવિકોની શનિ મહારાજમાં અતૂટ શ્રદ્ધા
શનિ મંદિરે દર્શન કરવા આવતા ભાવિકોની શનિ મહારાજમાં અતૂટ શ્રદ્ધા છે. આ મંદિરની સ્થાપના થઈ છે. ત્યારથી દરેક ભાવિકની મનોકામના પૂરી થઇ છે. શનિ મહારાજ ન્યાયના દેવતા છે. એટલે લોકો તેમની શ્રદ્ધાથી પૂજા કરે છે. અને તેમની ઇચ્છા પૂર્ણ થાય છે. વસંત પંચમી અને શનિ જ્યંતિના દિવસે મોટી સંખ્યામાં ભક્તો દૂર-દૂરથી દર્શન કરવા માટે આવે છે. મંદિરમાં શનિદેવની સાથે હનુમાનદાદાની સ્થાપના પણ કરવામાં આવી છે. ભાવિકો શનિદેવની સાથે સાથે હનુમાન દાદાની પૂજા કરી તેલ ચઢાવે છે. મંદિરમાં દર શનિવારના દિવસે જરુરિયાતમંદો માટે ભંડારો રાખવામાં આવે છે. જેમાં 500થી વધારે લોકો સેવાનો લાભ લે છે. શનિ મંદિર તરફથી રામરોટી, મેડીકલ, એજ્યુકેશન, ચકલાને ચણ, જરૂરીયાતમંદને અનાજ આપવામાં આવે છે. મંદિરમાં આવેલ દાનમાંથી અનેક સેવાકીય પ્રવુતિઓં ચલાવવામાં આવે છે.
ગુજરાતમાં સૌમ્ય રૂપધારી એકમાત્ર પ્રતિમા
શનિ મંદિરના પ્રાંગણમાં વર્ષો જુનો પીપળો આવેલો છે. મંદિરે આવતા ભક્તો પીપળાને પાણી ચઢાવી દીવો કરે છે. મંદિરમાં દર શનિવારે સુંદરકાંડ કરવામાં આવે છે. શનિવારે ભક્તોની ભારે ભીડ થાય છે એટલે મંદિર સવારે ૬ થી રાત્રીના ૧૧ વાગ્યા સુધી ખુલ્લુ રાખવામાં આવે છે. શનિદેવને તેલ ચડાવવા મંદિરમાંથી જ તેલની બોટલ મળી રહે છે. મંદિરમાં શ્રદ્ધાળુઓ તેલ, સિંદૂર, કાળાઅડદ, કાળા તલ, આકડાની માળા ચડાવે છે. અને લોખંડ સહિત ઘોડાની નાળ, કાળી વસ્તુનું દાન પણ થાય છે. શનિદેવના પ્રભાવને લીધે પનોતી ચાલતી હોય તે રાશિના જાતકો દ્વારા શનિદેવની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. દૂર દૂરથી ભક્તો અહિં આવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે.