કાલોલ તાલુકાના બાકરોલ ગામ નજીક હરસિદ્ધિ માતાજીનું મંદિર આવેલું છે. માતાજીનું પૌરાણિક મંદિર આસ્થાનું કેન્દ્ર છે. વર્ષોથી સાક્ષાત બિરાજમાન છે મા હરસિદ્ધિ. રાજા વિક્રમાદિત્યની વિનંતિથી માતાજી તેમની સાથે આવ્યા હતા. રાજા ચાર સ્થળે રોકાયા હતા ત્યાં માતાજીનો વાસ છે. અને ચારમાંથી એક સ્થળ એટલે બાકરોલ. કાલોલ તાલુકાના બાકરોલ ગામે વર્ષો જૂનું હરસિધ્ધિ માતાનું મંદિર આવેલું છે. કાલોલથી બાર કિલોમીટરના અંતરે શાંત રમણીય જંગલ વિસ્તારમાં કરડ નદીથી થોડાક અંતરે હરસિદ્ધિ માતા બિરાજમાન છે. વર્ષો પહેલા દાનવોનો ત્રાસ વધતા ભગવાન શ્રી કૃષ્ણએ આરાધના કરી તેમના કુળદેવી મા હરસિદ્ધિને પ્રસન્ન કર્યા અને માતાજી પ્રગટ થયા એટલે ભગવાન શ્રીકૃષ્ણએ માતાજી પાસે દાનવોના ત્રાસને દૂર કરવા વરદાન માંગ્યુ હતુ અને માતાજીએ વરદાન આપી દાનવોને દૂર કર્યા હતા.
કાલોલના બાકરોલમાં હરસિદ્ધિ માતાજીનું મંદિર
લગ્નની પ્રથમ કંકોત્રી મુકવામાં આવે છે હરસિદ્ધિ માતાજીના ચરણે
હરસિદ્ધિ માતા લોકોના દુઃખ દૂર કરનારી મા છે. ભાવિકો પરિવાર સાથે માતાજીના દર્શન કરવા આવે છે. કેટલાક પરિવારો પોતાના ઘરમાં શુભ પ્રસંગ કરવાનો હોય ત્યારે મા હરસિદ્ધિ માતાની મંજૂરી લેવા આવે છે. જેમના ઘરે લગ્ન પ્રસંગ હોય તે લોકો પોતાના પરિવાર સાથે મંદિરે આવીને ત્યાં પ્રથમ કંકોત્રી હરસિદ્ધી માતાજીના ચરણે મુકી તેમને આમંત્રિત કરે છે. માતાજીમાં અપાર અતૂટ શ્રદ્ધા રાખતા ભાવિકો જ્યારે મા ના દરબારમાં પહોંચે છે ત્યારે જાણે કોઈ અલૌકિક શક્તિ તેમનામાં આવી જાય છે અને શારિરીક રીતે મંદિરમાં જવા અસમર્થ હોય તો પણ તે માતાજી સુધી પહોંચી જાય છે. ર્ષો પહેલા આ મંદિર માત્ર એક ડેલા સ્વરુપે હતું. સ્થાનિકોએ પોતાના સ્વૈચ્છિક દાન અને હરસિદ્ધિ માતાજીની અસીમ કૃપાથી નવું મંદિર બનાવવામાં આવ્યું છે. પહેલા આ વિસ્તાર ગાઢ જંગલ હતો અહીંયા કોઈપણ અવરજવર નહોતી વર્તમાનમાં માતાજીના મંદિરે દૂરદૂરથી ભાવિક ભક્તો દર્શન કરવા આવે છે. અને માતાજી સમક્ષ પોતાની મનોકામના વ્યક્ત કરે છે. માતાજી પણ તેના દરેક ભક્તોને આશીર્વાદ આપી સદાય તેમના પર પ્રસન્ન રહી તેમની રક્ષા કરે છે.