યુપી STFને આજે મોટી સફળતા મળી છે. STFએ ઉમેશ પાલ હત્યાકાંડમાં ફરાર ચાલી રહેલ આરોપી સદ્દામની દિલ્હીથી ધરપકડ કરી લીધી છે. સદ્દામ અતીક અહેમદનો ભાઈ અશરફનો સાળો છે. ઉમેશ પાલની હત્યા બાદથી તે ફરાર હતો. સદ્દામ પર 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારબાદથી તે ફરાર હતો. STF ત્યારથી તેની તલાશ કરી રહી હતી. ધરપકડથી બચવા માટે સદ્દામ સતત પોતાના ઠેકાણા બદલી રહ્યો હતો.
માફિયા અશરફના સાળા સદ્દામ વિરુદ્ધ બરેલીના બિથરી ચેનપુર અને બરાદરી પોલીસ સ્ટેશનમાં બે કેસ નોંધાયેલા છે. UP STFએ સદ્દામની દિલ્હીના માલવિયા નગર વિસ્તારમાંથી ધરપકડ કરી છે. ઉમેશ પાલ હત્યાકાંડ કેસમાં સદ્દામને આરોપી બનાવવામાં આવ્યો હતો. એક બાતમીદાર પાસેથી પોલીસને તેના દિલ્હીમાં હોવાની માહિતી મળી હતી અને ત્યારબાદ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. ધરપકડ બાદ પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે તે પોલીસથી બચવા માટે દિલ્હી, કર્ણાટક અને મુંબઈમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ રહેતો હતો. 28 સપ્ટેમ્બરે તે તેની ગર્લફ્રેન્ડ અનમને મળવા જઈ રહ્યો હતો તે દરમિયાન તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.
અશરફના બધા કામ સદ્દામ સંભાળતો હતો
પ્રાપ્ત માહિતી પ્રમાણે આરોપી સદ્દામ બરેલીના ખુશ્બૂ એન્ક્લેવમાં રહેતો હતો કારણ કે તેનો સાળો અશરફ બરેલી જેલમાં બંધ હતો. આ દરમિયાન તે જેલ સ્ટાફની મિલીભગતથી લોજિસ્ટિક્સ સામગ્રી જેલમાં પહોંચાડતો હતો. અશરફના જેલમાં ગયા બાદ સદ્દામ અશરફનો ધંધો સંભાળતો હતો અને જેલમાં આવતા લોકોને અશરફ સાથે મુલાકાત કરાવતો હતો. બરેલી જેલની પણ સિસ્ટમને સદ્દામ જ મેનેજ કરતો હતો. ઉમેશ પાલ શૂટઆઉટમાં સામેલ શૂટર અશરફને બરેલી જેલમાં જઈને મળ્યો હતો. આ લોકોને પણ સદ્દામે જ અશરફ સાથે મુલાકાત કરાવી હતી.
બરેલી જેલના CCTV ફૂટેજ સામે આવ્યા બાદ સદ્દામની ભૂમિકા સ્પષ્ટ થઈ ગઈ હતી. ત્યારબાદ બરેલી પોલીસે બિથરી ચૈનપુર પોલીસ સ્ટેશનમાં સદ્દામ વિરુદ્ધ FIR દાખલ કરી હતી. ઉમેશ પાલ શૂટઆઉટ કેસમાં તેનું નામ સામે આવ્યા બાદ સદ્દામ દુબઈ ભાગી ગયો હતો. બરેલી પોલીસે ભાગેડુ જાહેર કરાયેલા સદ્દામ પર 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.