મધ્યપ્રદેશના નવી લિકર પોલિસી જાહેર થયા બાદ મંગળવારથી 19 શહેરોમાં દારુ પર પ્રતિબંધ લાગુ કરી દેવાયો છે. આ 19 શહેરોમાં મહાકાલ નગરી ઉજ્જૈન પણ સામેલ છે. સરકારની આ પોલિસીના કારણે શહેરીજનો ખુશ થયા છે, જોકે એવી ચિંતા થઈ રહી છે કે, બાબા મહાકાલના સેનાપતિ કાલ ભૈરવની પૂજા કેવી રીતે થશે, તેમનો તો મુખ્ય પ્રસાદ જ દારુ છે. અહીં કોઈપણ વ્યક્તિ મહાકાલના દર્શન કરવા આવે છે, તો તેઓ કાલ ભૈરવ જરૂર જાય છે. આવી સ્થિતિમાં સવાલ થાય છે કે, ભક્તો કાળ ભૈરવને દારુનો ભોગ કેવી રીતે ચઢાવશે?
માન્યતાના કારણે શ્રદ્ધાળુઓ ચિંતામાં
માન્યતા છે કે, જ્યાં સુધી કાળ ભૈરવના દર્શન કરવામાં ન આવે, ત્યાં સુધી બાબા મહાકાલના દર્શનનો પુણ્યનો લાભ મળતો નથી. આ માન્યતાના કારણે ચિંતા વધી ગઈ છે. વાસ્તવમાં ઉજ્જૈનમાં પહેલી એપ્રિલથી દારુ પર પ્રતિબંધ લાગુ થઈ ગયો છે. આવી સ્થિતિમાં ઉજ્જૈન નગર નિગમમાં કોઈપણ સ્થળે દારુનું વેચાણ થઈ શકશે નહીં. આવી સ્થિતિમાં કાલ ભૈરવના દર્શન કરવા માટે આવનારા ભક્તોએ ઉજ્જૈનની બહારથી દારુ ખરીદીને લાવો પડશે.
મહાકાલ મંદિરમાં બે દિવસનો સ્ટૉક
સરકારે કાલ ભૈરવ મંદિરના પૂજારીને નિયમિત પૂજા માટે બે દિવસનો સ્ટોક રાખવાની મંજૂરી આપી છે, તેથી મંદિર વહિવટીતંત્ર દ્વારા થતી પૂજા અને પ્રસાદમાં કોઈપણ પ્રકારની સમસ્યા ઉભી નહીં થાય. જોકે અહીં આવતા શ્રદ્ધાળુઓ પરેશાન થઈ શકે છે. ભગવાન કાલ ભૈરવને દારુ ચઢાવવા માટે શ્રદ્ધાળુઓએ ઉજ્જૈન નગર નિગમ સરહદની બહાર આવેલી દુકાનો પરથી દારુ ખરીદીને લાવવો પડશે.
માત્ર ચાર બોટલ લાવવાની મંજૂરી
બીજીતરફ આયકર વિભાગના અધિકારીઓએ કહ્યું કે, ઉજ્જૈનમાં દારુ વેચવા પર પ્રતિબંધ છે, પરંતુ લોકો બહારથી દારુ ખરીદીને લાવી શકે છે. રાજ્યમાં કોઈપણ સ્થળે માત્ર ચાર બોટલ લાવવાની મંજૂરી છે, તેમાં કોઈપણ રોકટોક નથી.