સેનાના જવાનોને સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને કડક સૂચના આપવામાં આવી છે. CRPFએ પોતાના જવાનોને જાણ્યા-સમજ્યા વગર ઓનલાઈન ફ્રેન્ડશીપ ન કરવા જણાવ્યું છે. આ ઉપરાંત ફોટો અપલોડ કરવામાં પણ સાવધાની રાખવા માટે જણાવ્યું છે કારણ કે, આ રીતે તેમને હનીટ્રેપનો શિકાર બનાવવામાં આવી શકે છે. જારી કરવામાં આવેલા લેટરમાં કહેવામાં આવ્યું છે કે, એવું સામે આવ્યું છે કે, ઘણા જવાનો પોતાના યૂનિફોર્મમાં વીડિયો અને ફોટો અપલોડ કરે છે. આ ઉપરાંત અનેક લોકોને ચેટ મેસેજ પણ મોકલાવે છે.
કેન્દ્રીય ગુપ્ત એજન્સીઓએ અલગ-અલગ અર્ધલશ્કરી દળો અને પોલીસ ફોર્સને લેટર જારી કર્યો છે. CRPFએ આ બાબતને ગંભીરતાથી લેતા પોતાના જવાનો માટે નિર્દેશ જારી કર્યો છે અને કહ્યું કે, તેઓ યૂનિફોર્મમાં પોતાના વીડિયો કે ફોટો અપલોડ ના કરે અને અજાણ્યા લોકો સાથે ઓનલાઈન મિત્રતા ન કરે.
નિર્દેશોનું પાલન ન કરવા પર થશે કડક કાર્યવાહી
એક સત્તાવાર નોટમાં કહેવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયાને લઈને કડક સૂચના આપવામાં આવે છે કે, યૂનિફોર્મમાં ફોટો અને વીડિયો અપલોડ ના કરવાની સાથે જ યોગ્ય તપાસ કર્યા વગર કોઈને પણ પોતાના ફ્રેન્ડ લિસ્ટમાં સામેલ ન કરવા. જો આ નિર્દેશોનું પાલન કરવામાં નહીં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. આવી જ રીતે દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોડાએ પણ લેટર જારી કરીને કહ્યું છે કે, ધકપકડ કરાયેલ વ્યક્તિ અથવા અંડર ટ્રાયલ વ્યક્તિ સાથે સબંધિત કોમેન્ટ સોશિયલ મીડિયા પર પોસ્ટ ન કરવી.
ડ્યૂટી સમયે સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરવો
આ લેટરમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, જવાન હાઈલી પ્રોટેક્ટેડ વિસ્તારોમાં વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ ના કરે. તેમણે એમ પણ કહ્યું કે, ડ્યૂટી સમયે સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરવો અને સોશિયલ મીડિયા પર કોઈ પણ સંવેદનશીલ જાણકારી શેર ન કરવી. આ ઉપરાંત અન્ય અર્ધલશ્કરી દળોને પણ સોશિયલ મીડિયા ગાઈડલાઈન જારી કરી છે અને સરહદ પર તૈનાત જવાનોને રીલ્સ ન બનાવવા માટે જણાવ્યું છે.
CISFના જવાનને હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો
ITBP અને BSFએ પોતાના જવાનોને કહ્યું છે કે, સરહદ નજીકના વિસ્તારોમાં તેઓ વીડિયો ન બનાવે. આ મામલો દેશની સુરક્ષા સાથે સબંધિત છે. આ જ મહિને વિશાખાપટ્ટનમમાં તૈનાત એક CISFના જવાનને હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો. માહિતી મળી હતી કે, તેઓ પાકિસ્તાનની એક મહિલા સાથે ઈન્ટેલિજન્સ અધિકારી સાથે સંપર્કમાં હતો અને અનેક સંવેદનશીલ માહિતી આપી રહ્યો હતો. પાકિસ્તાની ગુપ્ત અધિકારી અનેક વિભાગોના કંટ્રોલ રૂમમાં પોતાને સીનિયર અધિકારી ગણાવીને ફોન પણ કરી રહ્યા હતા.