કપડવંજમાં સતત ચોથા દિવસે વરસાદ થતાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. કપડવંજ તાલુકાના અગ્રાજીના મુવાડા ગામ ખાતે વધુ વરસાદના કારણે ગામના નીચાણવાળા વિસ્તારમાંથી 25 વ્યક્તિઓને શેલ્ટર હોમ ખાતે સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યા હતાં. શહેરમાં વિશ્વાસ આર્કેડ, શિલ્પા, તપોવન, માણેકબાગ, ગોકુલ ધામ સોસાયટીમાં પાણી ભરાતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતાં. ઉપરાંત શહેરના રત્નાકર રોડ કાછીયાવાડ, પટેલવાડા વગેરે વિસ્તારો પણ પાણી પાણી થઈ ગયા હતાં.
ઉપરવાસમાં લાંક ડેમમાંથી 1000 ક્યુસેક પાણી છોડાતાં કાંઠા ગાળાના ગામોને સાવચેત રહેવા જણાવાયું હતું. પંથકમાંથી પસાર થતી વાત્રક,વરાંસી, મહોર, ધામણી, સંગમ નદીમાં નવા નીરની આવક થતાં નદીનું સૌંદર્ય ખીલી ઉઠ્યું હતું અને લોકોના ટોળેટોળા પાણીનો નજારો જોવા ઉમટી પડ્યા હતાં. તાલુકામાં આવેલ ખેડા જિલ્લાના સૌથી મોટા સાવલી તળાવ, જલોયા, વઘાસ, બેટાવાળા તળાવમાં પણ પાણીની ભરપૂર આવક થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.